મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)ની કચેરીએ વિદ્યુત સહાયક ભરતીના ઉમેદવારોએ વિવિધ માંગણીઓ સાથે રજૂઆત કરી હતી. ભરતીમાં જગ્યાઓ વધારી 1,500થી 2,000 કરવા, એફઆરટી આઉટસોર્સિંગ સિસ્ટમ બંધ કરી કાયમી ભરતી કરવાની તેમજ ખાલી પડેલી જગ્યાઓ ભરવાની માંગ કરવામાં આવી છે.
4,892 ઉમેદવારોમાંથી માત્ર 297ને નિમણૂક
વિદ્યુત સહાયક ભરતીમાં પોલ ટેસ્ટ પાસ કરનારા કુલ 4,892 ઉમેદવારોમાંથી અત્યાર સુધીમાં માત્ર 297 ઉમેદવારોને જ નિમણૂક મળી છે. પ્રથમ રાઉન્ડમાં 183 અને બીજા રાઉન્ડમાં 114 ઉમેદવારોને તક આપવામાં આવી હતી. આમ, છ મહિનામાં માત્ર 297 ઉમેદવારોને રોજગાર મળતાં અન્ય સફળ ઉમેદવારોમાં રોષ અને નિરાશા જોવા મળી રહી છે.
ભરતીની જગ્યાઓ વધારી 2,000 કરવાની માંગ
ઉમેદવારોની મુખ્ય માંગ છે કે વર્તમાન ભરતીમાં જગ્યાઓ વધારીને 1,500થી 2,000 કરવામાં આવે. આ ઉપરાંત એફઆરટી આઉટસોર્સિંગ સિસ્ટમ બંધ કરીને કાયમી ભરતી કરવામાં આવે અને કંપનીમાં ખાલી પડેલું મહેકમ ભરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
ત્રીજા રાઉન્ડમાં 300થી વધુ ઉમેદવારોને તક આપવા માંગ
ઉમેદવારોએ આગામી ત્રીજા રાઉન્ડમાં 300થી વધુ ઉમેદવારોને નિમણૂક આપવાની માંગ કરી છે. નિવૃત્તિ કે રાજીનામાને કારણે ખાલી પડેલી જગ્યાઓની સમીક્ષા કરીને ભરતી પ્રક્રિયાના તમામ 6 રાઉન્ડ પારદર્શક રીતે પૂર્ણ કરવાની પણ માગણી કરવામાં આવી છે.
મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને પણ કરી હતી રજૂઆત
ઉમેદવાર કિરણ પરમારના જણાવ્યા મુજબ, અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ સમક્ષ પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. તે સમયે હકારાત્મક આશ્વાસન મળ્યું હતું. જોકે, 3 મહિના બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી ન થતાં ઉમેદવારોએ મહેસાણા ખાતે UGVCL કચેરીમાં આવેદનપત્ર પાઠવી ફરી રજૂઆત કરી છે.
આ પણ વાંચો : Police News: નાઈટ પાર્ટીમાં 2 વરિષ્ઠ IPS અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી, મામલો પહોંચ્યો DGP સુધી