મહેસાણા જિલ્લામાં વિવિધ ખાદ્ય પદાર્થોની શુદ્ધતા અને ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નાર્થ સર્જાયો છે.જિલ્લા ફ્રૂડ વિભાગ દ્વારા છેલ્લા બે મહિનાના સમયગાળા દરમિયાન વિવિધ વિસ્તારોમાં ઝુંબેશ ચલાવીને ખાદ્યચીજોની સઘન ચકાસણી કરવામાં આવી હતી.જિલ્લા ફ્રૂડ અધિકારી વિપુલ ચૌધરી અને તેમની ટીમ દ્વારા મહેસાણા શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય પંથકોમાંથી ઘી,આઈસ્ક્રીમ,ખાદ્ય તેલ અને પેકેજ્ડ પીવાના પાણીના જથ્થામાંથી નિયમાનુસાર નમૂનાઓ લેવામાં આવ્યા હતા.આ તમામ નમૂનાઓને પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
11 વેપારીઓ સામે રૂ.3.7 લાખનો દંડ ફટકારવાનો આદેશ
લેબોરેટરી ચકાસણીના અંતે જાહેર થયેલા પરિણામોમાં આ નમૂનાઓ નિર્ધારિત ધોરણો મુજબના ન હોવાનું એટલે કે સબ-સ્ટાન્ડર્ડ હોવાનું બહાર આવ્યું હતું.હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારા વેપારીઓ સામે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.આ સમગ્ર કેસ એડિશનલ કલેક્ટર પંકજ પટેલની કોર્ટમાં ચાલવા ઉપર આવતાં કોર્ટે 11 વેપારીઓ સામે રૂ.3.7 લાખનો દંડ ફટકારવાનો આદેશ કર્યો છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીમાં જાણીતી ડેરીઓ અને ખાણીપીણીના એકમોના નમૂના પણ ગુણવત્તાના ધોરણોમાં નિષ્ફળ સાબિત થયા છે.મહેસાણા ખાતે આવેલી અંબિકા ડેરીમાંથી લેવામાં આવેલા જામફળ આઈસ્ક્રીમ અને ગુલાબ આઈસ્ક્રીમના બે નમૂના લેબોરેટરી ટેસ્ટમાં ફેઇલ જાહેર થયા હતા.
અંબિકા ડેરીના વેપારી ગુલાબચંદને એક લાખનો દંડ
આ ગંભીર ક્ષતિ બદલ અંબિકા ડેરીના વેપારી ગુલાબચંદ હરલાલ સામે એડિશનલ કલેક્ટરની કોર્ટ દ્વારા સૌથી વધુ એટલે કે કુલ રૂ.1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેવી જ રીતે મહેસાણાની સરદાર ડેરીમાંથી મેળવવામાં આવેલા ‘સરદાર શુદ્ધ ઘી’ અને ‘સરદાર પ્યોર ઘી’ એમ બંને ઉત્પાદનોના નમૂના તપાસમાં નપાસ એટલે કે સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા.ડેરીના સંચાલક પટેલ પરેશ રામભાઈને કોર્ટ દ્વારા રૂ.40,000નો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મહેસાણા શહેરમાં આવેલા પ્રેમવતી ઉપહાર ગૃહમાંથી લેવાયેલા ‘તીખી સેવ’ના નમૂનાનો રિપોર્ટ પણ સબ-સ્ટાન્ડર્ડ આવતાં વેપારી લાલજીભાઈ અંઘારામ પટેલ સામે રૂ.50,000નો દંડ ફટકારવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પેઢીઓ સામે પણ દંડાત્મક આદેશો જારી કરવામાં આવ્યા
આ કાર્યવાહી અંતર્ગત જિલ્લાના અન્ય તાલુકાઓ અને વિસ્તારોમાં કાર્યરત પેઢીઓ સામે પણ દંડાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે.જેમાં કડી તાલુકાના નરસિંહપુરા સ્થિત શાશ્વત એન્ટરપ્રાઈઝના પટેલ નગીનકુમાર ભીખાભાઈ સામે લૂઝ ઘીનો નમૂનો ફેલ થતાં પગલાં લેવાયાં છે.તેમજ ખંડાલી સ્થિત શ્રીજી મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સના પટેલ અલ્પેશ કુમાર સામે લૂઝ ઘીના નમૂના સબ-સ્ટાન્ડર્ડ આવતાં કાર્યવાહી કરાઈ છે.મહેસાણામાં ઓઝા કિંગ વોટરના ઓઝા ફારૂક અહમદ સામે પેકેજ્ડ પીવાના પાણીની ગુણવત્તાના મામલે આદેશ થયો છે.કડીની ખુશબુ એન્ટરપ્રાઇઝના ભોરણિયા નટવરલાલજી સામે શ્રી કિસન પ્યોર સીંગતેલ ઘી ના સેમ્પલ સબ-સ્ટાન્ડર્ડ સાબિત થતાં પગલાં ભરાયાં છે.મહેસાણાની ભરકાદેવી આઈસ્ક્રીમના સુરેશ જાટ સામે માવા મલાઈ લૂઝ આઈસ્ક્રીમ અને વિજાપુરની શિવા ટ્રેડિંગના અશોક હરિશચંદ્ર મહેશ્વરી સામે કિસન મગફળીનું શુદ્ધ તેલનો નમૂનો સબ-સ્ટાન્ડર્ડ આવતાં દંડ કરાયો છે.ખાદ્ય પદાર્થોમાં નિર્ધારિત ગુણવત્તાના નિયમોનું ઉલ્લંઘન કરનારા આ તમામ 11 વેપારીઓ સામે કોર્ટે કડક વલણ દાખવી સજા કરી છે.
આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યમાં ઉનાળા જેવી ગરમી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યારે ખાબકશે વરસાદ?