મહેસાણા જિલ્લામાં આવેલી એક ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી એક ગંભીર અને દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. ભાસરિયાથી અંબાસણ રોડ પર આવેલી ‘એવન ફાર્માસ્યુટિકલ કંપની’માં કામગીરી દરમિયાન લિફ્ટમાં ફસાઈ જવાથી એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. મૃતક યુવકની ઓળખ 32 વર્ષીય અમરતજી ઠાકોર તરીકે થઈ છે. યુવકના અચાનક થયેલા આ કરુણ મોતથી કંપનીના અન્ય કર્મચારીઓમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.

ફાયર ફાઈટર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો

ઘટના અંગે તાત્કાલિક મહેસાણા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતા જોઈને ફાયર ફાઈટરની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. લિફ્ટમાં ફસાયેલા યુવકને બહાર કાઢવા માટે ફાયર ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહમત અને જટિલ રેસ્ક્યુ કામગીરી બાદ ફાયર બ્રિગેડની ટીમે યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને આગળની કાર્યવાહી અર્થે પોલીસને સુપ્રત કર્યો હતો.

કંપનીમાં સુરક્ષાના સાધનો સામે ઉઠ્યા ગંભીર સવાલો

લિફ્ટમાં ફસાઈ જવાથી યુવકનું મોત થતાં ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા અને લિફ્ટના મેન્ટેનન્સ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને આ દુર્ઘટના કઈ ક્ષતિ કે બેદરકારીના કારણે સર્જાઈ તે દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો