મહેસાણાના પાલાવાસણા સર્કલથી રામપુરા વચ્ચે વિરમગામ રેલવે લાઇન પર આશરે રૂ.45 કરોડના ભારી ખર્ચે બનાવવામાં આવેલો ઓવરબ્રિજ માત્ર 3 જ વર્ષમાં ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. સતત ત્રીજા વર્ષે ચોમાસાના વરસાદને કારણે બ્રિજના મધ્યભાગમાંથી કોંક્રિટનું અસ્તર સંપૂર્ણપણે ઉખડી ગયું છે. પ્રથમ ચોમાસાથી જ આ બ્રિજમાં ખામીઓ સામે આવવા લાગી હતી, જેના કારણે કરોડના ખર્ચે બનેલા આ સરકારી પ્રોજેક્ટની કામગીરીની ગુણવત્તા સામે ભારે લોકરોષ અને ગંભીર સવાલો ઊભા થયા છે.

બહાર આવેલા લોખંડના સળિયા બન્યા જીવલેણ

કોંક્રિટ ઉખડી જવાના કારણે બ્રિજ પરથી લોખંડના સળિયા બહાર આવી ગયા છે. આ ખુલ્લા સળિયાના કારણે અહીંથી પૂરઝડપે પસાર થતાં દ્વિચક્રી અને ચારચક્રી વાહનોના ટાયર ફાટી જવા તેમજ વાહનચાલકો સ્લિપ થઈ જવાના અનેક બનાવોનું જોખમ વધી ગયું છે. બ્રિજ પરથી દરરોજ હજારો નાના-મોટા વાહનો પસાર થતાં હોય છે, ત્યારે આ ખુલ્લા લોખંડના સળિયા વાહનચાલકો માટે કોઈ મોટા જીવલેણ અકસ્માતનું કારણ બને તેવી પૂરી ભીતિ સેવાઈ રહી છે.

3 વર્ષથી સ્થિતિ યથાવત રહેતાં લોકોમાં ભારે આક્રોશ

આશ્ચર્યની વાત એ છે કે બ્રિજ નિર્માણના પ્રથમ વર્ષથી જ આ ખામીઓ સામે આવી હોવા છતાં અને 3 વર્ષનો લાંબો સમય વિતી ગયો હોવા છતાં પરિસ્થિતિ જસની તસ રહી છે. સ્થાનિક તંત્ર કે જવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા આ મામલે કોઈ કાયમી અને મજબૂત રિપેરિંગ કામગીરી કરવામાં આવી નથી. તંત્રની આ ઘોર બેદરકારી સામે સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરીને તાત્કાલિક ધોરણે બ્રિજનું યોગ્ય સમારકામ કરવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો