મહેસાણા જિલ્લાના કડી પંથકમાંથી એક હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. કડીના ચંડીગઢ વિસ્તારની પાછળથી પસાર થતા રેલ્વે પાટા પર એક અજાણ્યો યુવાન ટ્રેનની અડફેટે આવી ગયો હતો. કડીથી કટોસણ તરફ જઈ રહેલી રેલ્વે ટ્રેનની જોરદાર ટક્કર વાગવાને કારણે આ યુવાન રેલ્વે ટ્રેક પર જ જોરભેર નીચે પછડાયો હતો, જેમાં તેને માથા તેમજ શરીરના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું કરુણ મોત નીપજ્યું હતું.
ફોન પર વાતચીત કરવી યુવાનને ભારે પડી
આ ગોઝારો અકસ્માત યુવકની ઘોર બેદરકારીના કારણે સર્જાયો હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવાન રેલ્વે ટ્રેક ઓળંગતી વખતે અથવા પાટાની નજીકથી પસાર થતી વખતે પોતાના મોબાઈલ ફોન પર વાતચીત કરવામાં મશગૂલ હતો, જેને કારણે તેને સામેથી આવી રહેલી ટ્રેનનો અવાજ કે સિગ્નલ સંભળાયા ન હતા. જોતજોતામાં ટ્રેને યુવકને અડફેટે લઈ લેતા ત્યાંથી પસાર થતા અન્ય લોકોમાં ભારે અરેરાટી અને નાસભાગ મચી ગઈ હતી.
