આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી જીવનરક્ષક CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન)ની તાલીમ ફરી એકવાર એક નિર્દોષ વ્યક્તિ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. મહેસાણા બસ સ્ટેશન પર મોડી રાત્રે એક મુસાફરની અચાનક તબિયત લથડતા ત્યાં હાજર એક આરોગ્ય કર્મીએ પોતાની સમયસૂચકતા અને CPRની તાલીમનો ઉપયોગ કરીને મુસાફરનો જીવ બચાવી લીધો છે.
મોડી રાત્રે 3 વાગે મહેસાણા બસ સ્ટેશન પર બની ઘટના
મળતી વિગતો અનુસાર, આ સમગ્ર ઘટના મોડી રાત્રે 3 વાગ્યાના અરસામાં મહેસાણા બસ સ્ટેશન ખાતે બની હતી. રાત્રિના સમયે બસ સ્ટેશન પર એક મુસાફરની તબિયત અચાનક બગડી હતી અને તેમને તાત્કાલિક સારવારની જરૂર ઊભી થઈ હતી. આ સમયે ત્યાં કચ્છના રાપર ખાતે લેબ ટેકનિશિયન તરીકે નોકરી કરતા આરોગ્ય કર્મી કમલેશ ચૌધરી હાજર હતા.
