મહેસાણા-અમદાવાદ હાઇવે વરસાદ બાદ અત્યંત બિસ્માર બની જતાં વાહનચાલકો માટે ભારે જોખમ ઊભું થયું છે. ખાસ કરીને મહેસાણા મેવડ ચાર રસ્તા, શિવાલા સર્કલથી મેવડ ટોલ પ્લાઝા વચ્ચેના માત્ર દોઢ કિલોમીટરના પટ્ટામાં 15થી વધુ મોટા અને ઊંડા ગાબડાં પડી જતાં રોડ પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. આ કમરતોડ ખાડાઓના કારણે છેલ્લા 15 દિવસમાં જ 13 જેટલા બાઇકચાલકો ટ્રેક પરથી પટકાઈ ચૂક્યા છે, જ્યારે 5 કાર અને 2 ભારે વાહનોને પણ મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે.
વારંવારની રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં
સ્થાનિક રહીશો અને દરરોજ અવરજવર કરતા વાહનચાલકો દ્વારા છેલ્લા બે અઠવાડિયાથી માર્ગ અને મકાન વિભાગ તેમજ સંબંધિત તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, જવાબદાર અધિકારીઓ દ્વારા પેચવર્ક કે કામચલાઉ સમારકામ કરવાની પણ તસ્દી લેવામાં આવી નથી. તંત્રની આ ઘોર બેદરકારીના કારણે વાહનચાલકોના જીવ અધ્ધર થઈ ગયા છે અને અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે.
