મહેસાણા મહાનગરપાલિકામાં ભાજપના શાસન દરમિયાન એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. મનપાના પદાધિકારીઓની અજાણતા અને બેદરકારીનો એવો ઘાટ સર્જાયો છે કે મહેસાણા મનપાના ભાજપના ડેપ્યુટી મેયર રમેશ રાજપૂતને પોતાની જ સાચી ઓળખ કે હોદ્દાની કોઈ ખબર નથી.લાખો રૂપિયાની વસૂલાત સામે સત્તાધીશો પોતાની જ ઓળખ ભૂલી ગયા હોય તેવી આ ઘટના સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

ડેપ્યુટી મેયરને પૂછો તો વધારે સારું રહેશે

જ્યારે મહેસાણામાં ગટર કનેક્શનના મુદ્દે 2200 રૂપિયા ભરીને ગેરકાયદેસર જોડાણને કાયદેસર કરી દેવાની વાત અંગે ડેપ્યુટી મેયર રમેશ રાજપૂતનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમને આ બાબતે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે અત્યંત આશ્ચર્યજનક જવાબ આપ્યો હતો.તેમને પોતાની જવાબદારી કે હોદ્દાનું કોઈ ભાન ન હોય તેમ તેમણે એક સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે આ મામલે ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી મેયરને પૂછો તો વધારે સારું રહેશે.તેમને એ વાતની પણ ખબર નહોતી કે હાલ તેઓ જે વહીવટી ખુરશી પર બેઠા છે તે અન્ય કોઈની નહીં પરંતુ ખુદ ડેપ્યુટી મેયરની જ ખુરશી છે. 

પદાધિકારીઓની સભાનતા સામે ગંભીર સવાલો

પોતાની જ ખુરશી અને પોતાના જ સત્તાવાર હોદ્દાથી અજાણ રહેલા આ ડેપ્યુટી મેયરનો આ કિસ્સો સામે આવતા જ રાજકીય બેડામાં ભારે ચર્ચા જાગી છે.આ પ્રકારની ઘટનાઓ તંત્રની કામગીરી અને પદાધિકારીઓની સભાનતા સામે ગંભીર સવાલો ખડા કરે છે જ્યાં જનતાના પ્રશ્નો ઉકેલવાની જવાબદારી ધરાવતા નેતાઓ જ પોતાના પદ અને ગરિમાથી અજાણ બેઠા હોય છે.ડેપ્યુટી મેયર રમેશ રાજપૂતે કહ્યું હતું કે, હવે આ તો શું છે તમે ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી મેયરને જ પૂછો તો સારું છે.પણ અમારે ચર્ચા થઈ એમાં ભાઈ ગટર કનેક્શન ગેરકાયદેસર હોય અને જેને કનેક્શન કર્યું હોય અને પૈસા ના ભર્યા હોય તો 2200 રૂપિયા ભરીને એને રેગ્યુલરાઈઝ થાય.આના કનેક્શન ના હોય અને વેરો ભરવાનું આવ્યું હોય તો એ એક બાંહેધરી આપે કે અમારે કનેક્શન નથી એટલે એને 2200 રૂપિયા ભરવાના થતા નથી.આવી સંકલન મીટિંગમાં અમારે ચર્ચા થયેલી છે. 

આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: ઓગસ્ટમાં ધરતી પર ગરમીની અસર વધી, જાણો 2027 સુધીમાં કેવું રહેશે હવામાન?