નાગરિકોની વહીવટી અને સ્થાનિક સમસ્યાઓનો જિલ્લા કક્ષાએ જ ઉકેલ લાવવાના હેતુથી મહેસાણા ખાતે 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર એસ. કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અરજદારો પોતાની સમસ્યાઓ લઈને ઉપસ્થિત રહ્યા હતા. આ પ્લેટફોર્મ થકી સામાન્ય જનતાને પોતાના પ્રશ્નોનો સીધો અને ઝડપી ઉકેલ મેળવવાની તક સાંપડી છે.
વિવિધ ક્ષેત્રોના કુલ 106 પ્રશ્નોની થઈ રજૂઆત
આ વખતની જિલ્લા સ્વાગત બેઠકમાં પ્રજાજનો દ્વારા વિવિધ સરકારી વિભાગોને લગતા કુલ 106 પ્રશ્નો અને ફરિયાદો રજૂ કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે ગેરકાયદેસર દબાણો દૂર કરવા, પોલીસ કાર્યવાહી, જમીન સંપાદનનું વળતર મેળવવા, ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા તેમજ એસટી બસના નવા રૂટ શરૂ કરવા અથવા લંબાવવા જેવા લોકહિતના પ્રશ્નોનો સમાવેશ થતો હતો.
કલેક્ટર એસ. કે. પ્રજાપતિની અધિકારીઓને કડક સૂચના
રજૂ થયેલા તમામ પ્રશ્નોને ગંભીરતાથી લઈને કલેક્ટર એસ. કે. પ્રજાપતિએ સંબંધિત વિભાગના અધિકારીઓને કડક આદેશ આપ્યા હતા. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, પ્રજાજનોના પ્રશ્નો પ્રત્યે સકારાત્મક અભિગમ દાખવીને તેમનું ત્વરિત અને સમયમર્યાદામાં નિરાકરણ લાવવામાં આવે. સરકારી પ્રક્રિયામાં બિનજરૂરી વિલંબ ચલાવી લેવાશે નહીં તેવી કડક ચેતવણી પણ તેમણે આપી હતી.

ગાંધીનગર ગયા વિના સ્થાનિક કક્ષાએ ઉકેલ લાવવાનો અનોખો પ્રયાસ
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષિલ મીણા, અધિક કલેક્ટર મયંક પટેલ તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. સ્થાનિક નાગરિકોને પોતાના પ્રશ્નોના નિકાલ માટે છેક ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે અને જિલ્લા કક્ષાએ જ સ્થળ પર જ સમસ્યાઓનું નિવારણ આવે તે દિશામાં આ સ્વાગત કાર્યક્રમ અત્યંત કારગર સાબિત થઈ રહ્યો છે.
આ પણ વાંચો: Mehsana જિલ્લા પંચાયતનું રૂ.50.78 કરોડના ખર્ચે બનશે નવું આધુનિક ભવન, રાજ્યમાં 4000 નવી ગ્રામ પંચાયતો મંજૂર!