મહેસાણાની સાર્વજનિક સ્કૂલમાં આપત્તિ વ્યવસ્થાપન અને સુરક્ષાના ભાગરૂપે ફાયર બ્રિગેડ દ્વારા એક વિશેષ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આગ જેવી કટોકટીની પરિસ્થિતિમાં શાળાના માસૂમ બાળકો અને શૈક્ષણિક સ્ટાફની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવી, તે હેતુથી ફાયર વિભાગ સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળ્યું હતું. આ સફળ અને રોમાંચક લાઈવ કવાયતને નિહાળવા માટે શાળા પરિસરમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું.
હાઇટેક સાધનોની મદદથી આગ પર કાબૂ અને સચોટ રેસ્ક્યુ
આ મોક ડ્રીલ અંતર્ગત શાળાના ત્રીજા માળે અચાનક ભયંકર આગ લાગી હોવાની કટોકટીભરી સ્થિતિનું આબેહૂબ લોકેશન ઊભું કરવામાં આવ્યું હતું. આગના કારણે બિલ્ડિંગમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ જતાં બે સેવકો ગૂંગળામણને લીધે બેહોશ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ મહેસાણા ફાયર ફાયટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે અત્યંત અદ્યતન ગણાતી ટર્ન ટેબલ લેડર (TTL) અને વોટર કમ ફોમ ટેન્ડર જેવા હાઈટેક સાધનોનો ઉપયોગ કરીને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો અને ત્રીજા માળે ફસાયેલા બંને સેવકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
