નવરાત્રીના પાવન પર્વ અને આગામી તહેવારો દરમિયાન નાગરિકો તેમજ ગરબે ઘૂમતા ખેલૈયાઓના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. નવરાત્રી મહોત્સવને લઈને વિવિધ સ્થળો તેમજ જાહેર રસ્તાઓ પર ઉભા કરાયેલા ખાણીપીણીના ફૂડ સ્ટોલ પર ફૂડ સેફ્ટી વિભાગની ટીમો દ્વારા ઓચિંતું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી એવો વારંવાર ગરમ કરાયેલો અખાદ્ય તેલનો જથ્થો મળી આવતાં અધિકારીઓએ સ્થળ પર જ તેનો નાશ કરી સ્ટોલ સંચાલકો સામે લાલ આંખ કરી છે.

નવરાત્રીના ગ્રાઉન્ડ્સ અને ફૂડ સ્ટોલ્સ પર ઓચિંતું ચેકિંગ

તહેવારોની સીઝનમાં મોટા પાયે ફાસ્ટફૂડ અને તળેલી વાનગીઓનું વેચાણ થતું હોવાથી ફૂડ વિભાગે કડક વલણ અપનાવ્યું છે.મહેસાણા શહેર તેમજ આસપાસના ગરબા ગ્રાઉન્ડ્સ અને મુખ્ય માર્ગો પર લાગેલા ખાણીપીણીના સ્ટોલ, લારીઓ અને દુકાનો પર ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ-અલગ ટીમો ત્રાટકી હતી.વિવિધ સ્ટોલ પર તળવા માટે વપરાતા તેલ, મસાલા અને તૈયાર ખાદ્યસામગ્રીની ગુણવત્તાનું સ્થળ પર જ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સનું ઉલ્લંઘન કરી વારંવાર એક જ તેલનો ઉપયોગ કરનારા સ્ટોલ સંચાલકો સામે તાત્કાલિક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અખાદ્ય તેલનો જથ્થો નાશ કરાયો

ચેકિંગ દરમિયાન અધિકારીઓને આંખે વળગે તેવી ગંભીર બેદરકારી સામે આવી હતી.કેટલાક સ્ટોલ પર વારંવાર ઉકાળેલું, કાળું પડી ગયેલું અને ટીપીસી લિમિટ ઓળંગી ગયેલું અખાદ્ય તેલ વપરાતું હોવાનું ધ્યાને આવ્યું હતું.આવું તેલ પેટના ગંભીર રોગો તેમજ કેન્સર જેવી બીમારીઓને નોતરી શકે તેમ હોવાથી અધિકારીઓએ કોઈ પણ જાતની ઢીલ મૂક્યા વિના જથ્થો જપ્ત કર્યો હતો.અખાદ્ય તેલના સમગ્ર જથ્થાનો સ્થળ પર જ કેમિકલ નાખીને અથવા કચરામાં ફેંકીને કાયદેસર નાશ કરવામાં આવ્યો હતો જેથી તેનો પુનઃ ઉપયોગ ન થઈ શકે.

આ પણ વાંચો:Surat: સિવિલ હોસ્પિટલના ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં તબીબ અનુજ મહેશ્વરીની ધરપકડ, મહિલા તબીબ નિરાલી વસાવે હજુ ફરાર!