મહેસાણા જિલ્લામાં સાબરમતી નદીના પટમાંથી ચાલી રહેલા ગેરકાયદેસર ખનન અને રેતી ચોરીના કારોબાર સામે ખાણ ખનિજ વિભાગે લાલ આંખ કરી છે. જિલ્લાના વિજાપુર તાલુકાના ફૂદેડા ગામે સાબરમતી નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર સાદી રેતીના ખાણકામ પર ખાણ ખનિજ વિભાગની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને મોટી કાર્યવાહી કરી છે. આ દરોડા દરમિયાન વિભાગ દ્વારા 1.20 કરોડની કિંમતના વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે. 

ગેરકાયદેસર રીતે સાદી રેતીનું ખનન

ફૂદેડા ગામની સીમમાં સાબરમતી નદીના પટમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે સાદી રેતીનું ખનન થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમી ખાણ ખનિજ વિભાગને મળી હતી. આ બાતમીના આધારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર દિલીપ રબારી અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો.તંત્રની અચાનક પડેલી ધાડથી ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.દરોડા દરમિયાન નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ઉત્ખનન માટે ઉપયોગમાં લેવાતા અંદાજિત રૂ. 1.20 કરોડની કિંમતના વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા.

દંડ ફટકારીને કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી

વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં 1 એક્સકેવેટર મશીન, 1 લોડર મશીન અને ૨ ટ્રેક્ટરનો સમાવેશ થાય છે.ખાણ ખનિજ વિભાગે આ તમામ વાહનો અને મશીનરી સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી અર્થે લાડોલ પોલીસ સ્ટેશન અને વિજાપુર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સોંપી દીધા છે.ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા હાલમાં ફૂદેડા ગામની સીમમાં સાબરમતી નદીના પટમાં અત્યાર સુધી કેટલા પ્રમાણમાં ગેરકાયદેસર ખનન કરવામાં આવ્યું છે તેની ચોક્કસ માપણી હાથ ધરવામાં આવી રહી છે. માપણી પૂર્ણ થયા બાદ આ કૌભાંડમાં સંકળાયેલા તત્વો સામે આકરો દંડ ફટકારીને કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ Vadodara News: બોગસ બિલો બનાવી નશાકારક કફ સીરપના વેચાણનો પર્દાફાશ, 3 ફાર્મા પેઢીના લાયસન્સ રદ્દ