મહેસાણા જિલ્લાના કડી શહેરમાં રાત્રિના સમયે ગુનાખોરી સામે કડી પોલીસની સતર્કતાનો એક પ્રશંસનીય કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કડી તાલુકાના દેવગઢ ખાતેથી અજ્ઞાત તસ્કરો ટ્રેક્ટર ચોરીને ભાગી રહ્યા હોવાની માહિતી મળતાં જ કડી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી.
કડીમાં મધ્યરાત્રિએ હાઇ-વોલ્ટેજ ડ્રામા
PSI આર. બી. દવે અને તેમની ટીમ (જેમાં પોલીસ કર્મચારી ભાવેશ રબારી તથા મેલાજી ઠાકોર સામેલ હતા) એ સહેજ પણ સમય બગાડ્યા વિના પોતાની સરકારી ગાડીઓ ચોરોની પાછળ દોડાવી હતી. કડીના રસ્તાઓ પર મધ્યરાત્રિએ કાળજું કંપાવી દે તેવો પીછો શરૂ થયો હતો. પોલીસની ગાડીઓ પાછળ પડેલી જોઈને ગભરાયેલા ચોરોએ ટ્રેક્ટરને કડીની સાંકડી ગલીઓમાં ઊભું રાખી દીધું હતું અને વાહન છોડીને અંધારામાં પગપાળા ભાગવાનું શરૂ કર્યું હતું. જોકે, કડી પોલીસની ટીમે જરાય વિલંબ કર્યા વગર ગાડીમાંથી નીચે ઊતરીને ચોરોની પાછળ દોડ મૂકી હતી.
