મહેસાણા અને કડી તાલુકામાં ભેળસેળયુક્ત અને હલકી ગુણવત્તાના પશુઆહાર મામલે પશુપાલન વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કડી અને મહેસાણાના 4 સીલ કરાયેલા વેરહાઉસના તાળાં ખોલી સબ-સ્ટાન્ડર્ડ પશુઆહારના નિકાલની પ્રક્રિયા શરૂ કરાઈ છે. અમદાવાદ વિભાગના સંયુક્ત પશુપાલન નિયામક ડૉ. કે. જી. બ્રહ્મક્ષત્રીની ટીમ દ્વારા સવારે 8 વાગ્યાથી જથ્થાની ગણતરી અને નિકાલની કામગીરી ચાલી રહી છે. જોકે, હલકી ગુણવત્તાનો જથ્થો નાશ પામશે પરંતુ આ કૌભાંડના મુખ્ય સૂત્રધારો સામે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કેમ નહીં તેવો સવાલ ઉઠ્યો છે.
અલદેસણ, નગરાસણ અને લીંચના 4 સ્થળોએ કાર્યવાહી
પ્રાપ્ત વિગતો અનુસાર કડી અને મહેસાણા તાલુકામાં અલદેસણ, નગરાસણ અને લીંચ સહિત કુલ 4 સ્થળોએ તપાસ અને નિકાલની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં અલદેસણ (તા. કડી) ખાતે શ્રી શુભમ લોજિસ્ટિક અને ભવ્ય વેર હાઉસ, નગરાસણ (તા. કડી) ખાતે અમિતા પટેલ વેર હાઉસ તેમજ લીંચ (તા. મહેસાણા) ખાતે LTC કોમર્શિયલ કંપની પ્રા.લિ. નો સમાવેશ થાય છે.
