મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલા અતિ પૌરાણિક અને શ્રદ્ધાધામ સમાન મંદ્રોપુર ગામે શીતળા સાતમ પર્વ નિમિત્તે પરંપરાગત ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મંદ્રોપુર ગામે આવેલા શીતળા માતાજીના મંદિરે વર્ષો જૂની પરંપરા મુજબ આ મેળો ભરાય છે. આ વર્ષે પણ શીતળા સાતમના પાવન પ્રસંગે સમગ્ર ખેરાલુ પંથક અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા શીતળાના દર્શન કરવા અને ધન્યતા અનુભવવા માટે ઉમટી પડ્યા હતા.
વહેલી સવારથી દર્શન માટે લાંબી લાઈનો
મેળાના દિવસે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મા શીતળાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓએ લાંબી લાઈનો લગાવી હતી. લોકોએ માતાજીના ચરણોમાં સીસ નમાવી દેશ અને પરિવારની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. મંદ્રોપુર શીતળા માતાજીના મંદિરે ખાસ કરીને બાળકોને ઓરી અને અછબડા જેવા ત્વચાના રોગોથી મુક્તિ મળે અને તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે લોકો માનતા રાખતા હોય છે, જેને પૂર્ણ કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપે છે.

બાળકો માટે મનોરંજન અને ગ્રામજનો દ્વારા સેવા
મેળાની રોનકમાં વધારો કરવા માટે નાના બાળકો માટે નાની-મોટી ચકડોળો, રમકડાંના સ્ટોલ તથા ખાન-પાનની દુકાનો લગાવવામાં આવી હતી, જ્યાં બાળકો અને પરિવારોએ મેળાની મજા માણી હતી. આ ઉપરાંત, મંદ્રોપુર ગામના ઉમદા ભાવ અને સેવાભાવના દર્શન કરાવતા, ગામની દૂધ ડેરી આગળ આવનાર તમામ દર્શનાર્થીઓ માટે નિઃશુલ્ક ચા અને પાણીની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ગામલોકોના આ આતિથ્ય સત્કારની તમામ દર્શનાર્થીઓએ સરાહના કરી હતી.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને એસટી બસની વ્યવસ્થા
મેળામાં આવતા યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે ખેરાલુ એસટી ડેપો વિશેષ વધારાની બસોની વ્યવસ્થા કરી છે, જેનાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને અવરજવર માટે સરળતા રહી હતી. આ સિવાય, મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ એકઠું થયું હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે ખેરાલુ પોલીસ વિભાગ પણ સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
આ પણ વાંચો: Mehsana પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ, SP હિમાંશુ સોલંકીએ જાહેર હિતમાં 4 PIની આંતરિક બદલીના કર્યા ઓર્ડર