મહેસાણા જિલ્લાના ખેરાલુ નગરપાલિકાના વોર્ડ નંબર 1 ની ખાલી પડેલી 1 બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. સવારથી જ મતદાન મથકો પર સ્થાનિક મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ (INC) અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે કાંટાની ટક્કર અને રોચક ત્રિપાંખિયો જંગ ખેલાયો છે.

2584 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો 

ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, વોર્ડ નંબર 1 માં નોંધાયેલા કુલ 3,532 મતદારોમાંથી 2,584 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેના પગલે કુલ 73.15% જેટલું ભારે મતદાન નોંધાયું છે. જેમાં પુરુષ મતદારોના કુલ 1,794 મતોમાંથી 1,377 વોટિંગ થયું હતું, જ્યારે મહિલા મતદારોના કુલ 1,738 મતોમાંથી 1,207 મહિલાઓએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું.

EVM સીલ કરાયા, 13 ઓક્ટોબરે યોજાશે મતગણતરી

સાંજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમામ ઈવીએમ (EVM) મશીનોને ઉમેદવારો અને ચૂંટણી અધિકારીઓની હાજરીમાં વિધિવત સીલ કરીને કડક સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. તમામ ઉમેદવારોનું ભાષ્ય હવે ઈવીએમમાં સીલ થઈ ગયું છે. આગામી 13 ઓક્ટોબરના રોજ મતગણતરી યોજાશે, ત્યારે જ સ્પષ્ટ થશે કે આ ત્રિપાંખિયા જંગમાં કયો પક્ષ બાજી મારે છે અને મતદારો કોના પર પસંદગીનો કળશ ઢોળે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો