મહેસાણા જિલ્લાના ખેરાલુ પંથકમાં પોલીસની ત્વરિત બુદ્ધિમત્તા અને માનવતાના દર્શન કરાવતી એક સરાહનીય ઘટના સામે આવી છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ગોરા ગામના વતની ગોસ્વામી જીગ્નેશભાઈ અતુલભાઈ પોતાની કાર લઈને વડગામથી તલોદ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન ખેરાલુ નજીકથી પસાર થતી વખતે અચાનક તેમની તબિયત લથડી હતી અને છાતીમાં અસહ્ય દુખાવો તેમજ ગભરામણ ઉપડી હતી.

ખેરાલુ વેઈટ ચોકડી નજીક પેટ્રોલિંગ ટીમે દાખવી માનવતા

કાર ચાલક જીગ્નેશભાઈ કઈ સમજે તે પહેલાં જ તેમની સ્થિતિ ગંભીર બની રહી હતી. તે જ સમયે ખેરાલુ વેઈટ ચોકડી નજીક ખેરાલુ પોલીસ મથકની પેટ્રોલિંગ ટીમ ત્યાંથી પસાર થઈ રહી હતી. અચાનક કાર ચાલકની કફોડી હાલત જોઈને પોલીસની ટીમે સમય સૂચકતા વાપરી હતી. કોઈ પણ ક્ષણનો વિલંબ કર્યા વિના પોલીસે માનવતા દાખવીને તાત્કાલિક યુવાનની મદદ કરવાનો નિર્ણય કર્યો હતો.

પોલીસની ટીમે સરકારી ગાડીમાં જ યુવાનને હોસ્પિટલ પહોંચાડ્યો

પરિસ્થિતિની ગંભીરતા સમજીને ખેરાલુ પોલીસની ટીમે એમ્બ્યુલન્સની રાહ જોવામાં સમય બગાડવાને બદલે યુવાનને તાત્કાલિક પોતાની સરકારી ગાડીમાં બેસાડી દીધો હતો. આ ઉત્કૃષ્ટ કામગીરીમાં ASI મુકેશભાઈ વાલજીભાઈ, PC સુરજસિંહ કાંતિસિંહ, PC અનિલાબેન દશરથજી તથા GRD જવાન કલ્પેશજી ઠાકોર અને ભેમાજી ઠાકોર સામેલ હતા. આ તમામ જવાનોએ મળીને યુવાનને સત્વરે ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડ્યો હતો.

Mehsana News: Kheralu Police Saves Car Driver Life Having Chest Pain | Exemplary Human Service

સમયસર સારવાર મળતાં યુવાન સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યો

ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તાત્કાલિક યુવાનની સારવાર શરૂ કરી હતી. ડોક્ટરોના જણાવ્યા મુજબ, જો સારવાર મળવામાં થોડો પણ વિલંબ થયો હોત તો પરિણામ ગંભીર આવી શક્યું હોત. સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવતા યુવાનની તબિયતમાં ઝડપથી સુધારો આવ્યો હતો. સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ યુવાન હેમખેમ પોતાના ઘરે પરત ફર્યો હતો.

સમગ્ર પંથકમાં ખેરાલુ પોલીસની ખાકી વર્દી પાછળની માનવતાની પ્રશંસા

કટોકટીના અને કપરા સમયમાં ખેરાલુ પોલીસ દ્વારા દાખવવામાં આવેલી આ ત્વરિત સેવા અને માનવતાપૂર્ણ કામગીરીની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે. સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થા જાળવતી પોલીસની આ પ્રશંસનીય અને જીવબચાવ કામગીરીથી સ્થાનિક નાગરિકો તેમજ યુવાનના પરિવારે પોલીસ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.


આ પણ વાંચો - 20 August Top News: 20 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ