સરદાર પટેલ સેવા દળ (SPG) ના અધ્યક્ષ લાલજી પટેલે મહેસાણા ખાતેથી એક અગત્યની સભા અને પત્રકાર પરિષદમાં લગ્ન નોંધણીના કાયદામાં સુધારાને લઈને સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવો એ માત્ર પાટીદાર સમાજ જ નહીં, પરંતુ સમગ્ર સર્વ સમાજ અને માતા-પિતાઓની સુરક્ષા માટે અત્યંત ગંભીર અને સંવેદનશીલ બાબત છે.

મહેસાણામાં SPG ના રાષ્ટ્રીય અધ્યક્ષનું મોટું નિવેદન

SPG છેલ્લા 6 વર્ષથી આ કાયદામાં સુધારો કરવા માટે સતત ચળવળ ચલાવી રહ્યું છે. 4 મહિના પહેલાં રાજ્ય સરકારે લગ્ન નોંધણી દરમિયાન માતા-પિતાની સંમતિ અથવા નોટિસ અનિવાર્ય કરવાનો નિયમ લાવવાની જાહેરાત કરી હતી. પરંતુ તાજેતરમાં પૂરા થયેલા વિધાનસભાના સત્રમાં આ અંગે કોઈ કાયદાકીય સુધારો કે પગલાં ન લેવાતાં લાલજી પટેલે સરકારની આ જાહેરાતને માત્ર એક "લોલીપોપ" ગણાવીને પોતાનો ભારે રોષ ઠાલવ્યો હતો.

લગ્ન નોંધણી કાયદાનો મુદ્દો સર્વ સમાજ માટે ગંભીર

લાલજી પટેલે ભૂતકાળના આંદોલનોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, અનામત આંદોલન સમયે SPG એ સમગ્ર ગુજરાતમાં 148 રેલીઓ કરીને દેશભરમાં જાગૃતિ ફેલાવી હતી, જેના પરિણામે સામાન્ય વર્ગને ન્યાય મળ્યો હતો. આ સિવાય લવ જેહાદ અને LRD ભરતી મુદ્દે પણ SPG સતત મેદાનમાં રહ્યું છે. હવે લગ્ન નોંધણી કાયદાના મુદ્દાને પ્રાથમિકતા આપીને આરપારની લડાઈ લડવામાં આવશે.

ગાંધીનગર કૂચની આપી ચીમકી

તેમણે આગામી આંદોલન અંગેની રણનીતિ સ્પષ્ટ કરતાં ચેતવણી આપી હતી કે, રાજ્યના તમામ સ્થાનિક લોકલ પ્રતિનિધિઓ, ધારાસભ્યો અને સાંસદોને રૂબરૂ પત્રો પાઠવીને આ મુદ્દો વિધાનસભા અને લોકસભામાં ઉઠાવવા વિનંતી કરાશે. મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં તાલુકા મથકોએ મહાસંમેલનો યોજી 1 લાખ નવા સભ્યોને આ ચળવળમાં જોડવામાં આવશે. જો સરકાર વહેલી તકે આ કાયદામાં સુધારો નહીં લાવે, તો તમામ સમાજ, જ્ઞાતિઓ અને ઔદ્યોગિક તથા સહકારી મંડળીઓને સાથે રાખીને ગાંધીનગર તરફ કૂચ કરી વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે.

આ પણ વાંચો: Mehsana: ONGC માં નોકરી મેળવવા નકલી ઓ-ફોર્મ બનાવવાનું કૌભાંડ; રાજ યાદવે બનાવ્યા હતા બોગસ સિક્કા