ભાવનગર લઠ્ઠાકાંડની ગંભીર ઘટના બાદ સમગ્ર રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે ગૃહ વિભાગ દ્વારા આદેશો આપવામાં આવ્યા છે. જેને પગલે મહેસાણા જિલ્લા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. મહેસાણા એલસીબી (LCB) ના પીઆઈ એ.એમ. કામળિયાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવીને સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશન ડ્રાઇવની આક્રમક અમલવારી શરૂ કરવામાં આવી છે. પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન કેમેરાની મદદથી અવાવરૂ જગ્યાઓ અને નદી કિનારે ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી કાઢી દરોડા પાડ્યા હતા.
દારૂ અંગેના કેસ દાખલ કરી મોટી કાર્યવાહી
મેળવેલી બાતમી અને ડ્રોન સર્વેલન્સના આધારે મહેસાણા એલસીબી પોલીસે છેલ્લા 24 કલાકમાં જ સમગ્ર જિલ્લામાંથી દેશી તેમજ વિદેશી દારૂ અંગેના કુલ 13 જેટલા કેસો દાખલ કર્યા છે. દરોડા દરમિયાન પોલીસે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો 23,600 લીટર જેટલો વિપુલ પ્રમાણમાં વોશ (આથો) ઝડપી પાડી તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ ઉપરાંત 190 લીટર તૈયાર દેશી દારૂ અને 247 નંગ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોનો જથ્થો પકડી પાડ્યો હતો.
