મહેસાણા સ્થિત પ્રસિદ્ધ દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભા ઉત્સાહભેર યોજાઈ હતી, જેમાં ડેરી તંત્ર દ્વારા પશુપાલકો અને દૂધ ઉત્પાદકો માટે અનેક મહત્વની અને ઐતિહાસિક જાહેરાતો કરવામાં આવી છે. ડેરીએ પોતાના 66 વર્ષના ઈતિહાસમાં અનેક નવા કીર્તિમાન સર્જ્યા છે.

આ વર્ષે 455 કરોડનો નફો જાહેર 

આ વાર્ષિક સભામાં ડેરી દ્વારા આ વર્ષે 455 કરોડનો નફો જાહેર કરવામાં આવ્યો છે, જે તમામ દૂધ ઉત્પાદકોને ભાવ વધારા પેટે ચૂકવી દેવામાં આવ્યા છે. સભામાં ડેરીનો 5 વર્ષનો પ્રગતિ રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો હતો. છેલ્લા 5 વર્ષમાં પશુપાલકોને કુલ 5,200 કરોડનો વધારાનો લાભ આપવામાં આવ્યો છે. ડેરીનું વાર્ષિક ટર્નઓવર 4,031 કરોડથી વધીને છેલ્લા 5 વર્ષમાં 9,043 કરોડ સુધી પહોંચી ગયું છે.

ડેરીએ નવો રેકોર્ડ બનાવ્યો 

દૂધ સંપાદન ક્ષેત્રે પણ ડેરીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ડેરીનું વાર્ષિક દૂધ સંપાદન વધીને 132.67 કરોડ કિલો થયું છે, જેમાં એક જ દિવસમાં 45 લાખ લિટર દૂધ સંપાદન કરવાનો ઐતિહાસિક રેકોર્ડ પણ સામેલ છે.

ડેરી હવેથી કોમર્શિયલ પશુપાલન પર ખાસ ભાર મૂકશે

પશુપાલકો માટે મહત્વની જાહેરાતો કરાઇ છે તે જોઇએ તો પશુપાલકોને 10% શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. પશુપાલકોના વીમા કવચની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ડેરી હવેથી કોમર્શિયલ પશુપાલન પર ખાસ ભાર મૂકશે, જેના ભાગરૂપે આ વર્ષે 1600 અરજીઓ મંજૂર કરવામાં આવી છે.

ભવિષ્યના મોટા આયોજનો

આગામી 5 વર્ષમાં દૂધસાગર ડેરીનું વાર્ષિક ટર્નઓવર 20,000 કરોડ સુધી લઈ જવાનો ભવ્ય લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ લક્ષ્યાંકને પહોંચી વળવા માટે ડેરી 700 કરોડના ખર્ચે નવા પ્રોસેસિંગ પ્લાન્ટ્સ અને આધુનિક પ્રોજેક્ટ્સ સ્થાપિત કરશે.   


આ પણ વાંચો   :    Sandesh Indepth : Gen Z જરૂર જાણે: એક રેડિયોએ કેવી રીતે હલાવી દીધું હતું બ્રિટિશ સામ્રાજ્ય? રેડિયોથી રીલ્સ સુધીની રોચક કહાની