આગામી નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા શહેરભરમાં વ્યાપક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તંત્રની ટીમોએ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વિવિધ એકમો પર અચાનક દરોડા પાડીને ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા ચકાસી હતી.

'ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ' દ્વારા 20 સ્થળોની ચકાસણી

આ વિશેષ અભિયાન અંતર્ગત 'ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ' વાન દ્વારા કુલ 20 જેટલા સ્થળોની સ્થળ પર જ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન 5 લીટર તેલ, 2.5 કિલો ગ્રીન ચટણી, 5 લીટર પાણીપુરીનું પાણી અને 1 કિલો ન્યૂઝ પેપરનો ઉપયોગ થતો હોવાથી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે નાસ્તા અને પ્રસાદીના પંડાલો સહિત કુલ 18 પેઢીઓની તપાસ કરી 34 જેટલા ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા હતા.

જય ખોડિયાર સ્વીટમાર્ટ અને સોનલ બેકરીમાં કાર્યવાહી

તપાસ દરમિયાન અનહાઈજેનિક કન્ડિશન અને અખાદ્ય જથ્થો ઝડપાતા બે મોટી પેઢીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે.

જય ખોડિયાર સ્વીટમાર્ટ: આ પેઢીમાંથી સર્વેલન્સ માટે નમૂના લેવાયા હતા. અસ્વચ્છતા જોવા મળતા સુધારો કરવા માટે 'ઈમ્પ્રુવમેન્ટ નોટિસ' ફટકારવામાં આવી છે અને નિયત સમયમાં સુધારો ન થાય તો લાયસન્સ રદ કરવાની ચેતવણી આપવામાં આવી છે. તેમજ સ્થળ પર જ 3 કિલો કોપરા લાડુ, 2 કિલો ફુલવડી અને 1 કિલો કઢીનો જથ્થો નાશ કરાયો હતો.

સોનલ બેકરી સ્વીટ & નમકીન: આ એકમમાંથી 8 કિલો વડી ફરસાણનો અખાદ્ય જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.


આ પણ વાંચો: Mehsana: બહુચરાજીમાં ગંજીપાના પર પૈસાની બાજી લગાવતા સરપંચ સહિત 3 શખ્સો જેલના સળિયા પાછળ, 7 ફરાર આરોપીઓની શોધખોળ