મહેસાણા જિલ્લામાંથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે વધુ એક મોટી સફળતા મેળવી છે. મહેસાણાના ગમનપુરા ગામના ગ્રામ પંચાયત વિસ્તારમાં ફરિયાદી દ્વારા જમીન ખરીદીને એન.એ. (NA) કરાવીને વોટર ટ્રીટમેન્ટ કેમિકલ યુનિટ શરૂ કરવામાં આવ્યું હતું. આ યુનિટમાં વધુ ઉત્પાદન માટે વધારાના બાંધકામની પરવાનગી મેળવવા માટે પંચાયતમાં અરજી કરવામાં આવી હતી. આ મંજૂરી આપવાની પ્રક્રિયાના બદલામાં ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા કુલ રૂપિયા 1,00,000ની માતબર રકમની લાંચની માંગણી કરવામાં આવી હતી.
અમદાવાદ ACBની ટીમે ગોઠવ્યું સફળ છટકું
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે અગાઉથી જ એસીબી (ACB) નો સંપર્ક કરીને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. શેઠ તથા તેમની ટીમે પૂર્વ આયોજનબદ્ધ રીતે એક સચોટ છટકું (ટ્રેપ) ગોઠવ્યું હતું.
