મહેસાણા શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે દરોડો પાડીને નશીલા પદાર્થોનું નેટવર્ક ચલાવતા તત્વોમાં ભારે ફાટકો પાડ્યો છે. મહેસાણાના અત્યંત ધમધમતા અને ભરચક ગણાતા ગોપીનાળા વિસ્તારમાંથી એસએમસીની ટીમે બાતમીના આધારે સરપ્રાઈઝ રેડ કરીને ગેરકાયદેસર એમડી ડ્રગ્સ (MD Drugs) નો જથ્થો પકડી પાડ્યો છે. ભરબજારે પડેલા આ દરોડાથી સ્થાનિક ગુનાખોરો અને ડ્રગ્સ પેડલરોમાં ભારે અફરાતફરી મચી ગઈ છે.
ગોપીનાળા નજીક SMC ત્રાટકી
ગાંધીનગરથી આવેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ખાસ ટીમે ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે મહેસાણાના ગોપીનાળા નજીક વોચ ગોઠવીને આ રેડ કરી હતી. ભરબજારમાં અચાનક પડેલા દરોડા દરમિયાન પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે સંકળાયેલા આરોપીને ઝડપી લીધો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એસએમસીની ટીમે પાડેલા આ દરોડાથી મહેસાણા પોલીસ બેડામાં પણ ભારે ખળભળાટ મચી ગયો છે.
