મહેસાણા જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર પુનઃરાગમન કર્યું છે. જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ 84 મીમી (3.5 ઈંચ) વરસાદ બહુચરાજી તાલુકામાં પડ્યો હતો. આ ઉપરાંત વિજાપુરમાં ત્રણ ઈંચ જેટલો ભારે વરસાદ ગાજવીજ સાથે વરસ્યો હતો, જ્યારે ખેરાલુ શહેરમાં પણ બપોરના સમયે માત્ર બે કલાકમાં 37 મીમી અને મોડી રાત્રે 17 મીમી વરસાદ નોંધાયો હતો.

Megharaja's grand entry in Mehsana

ડ્રેનેજની સમસ્યા અને રસ્તાઓ પર ભરાયા પાણી

ભારે વરસાદના કારણે બહુચરાજીના શંખલપુર અંડરપાસમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. વર્ષો જૂની આ સમસ્યા અંગે યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ ન હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ તરફ વિજાપુર અને ખેરાલુ શહેરના મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થઈ ગયા હતા, જેને પગલે પંથકમાં વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી.

Megharaja's grand entry in Mehsana

ગ્રામ્ય વિસ્તારોમાં સુકાતા પાકને મળ્યું જીવતદાન

ભાદરવા માસની શરૂઆતમાં જ વિજાપુર, ઊંઝા અને ખેરાલુ તાલુકાના ડભોડા, કુડા, નળુ, સાગથળા, ચોટીયા, કેશરપુરા, નાનીવાડા અને વઘવાડી સહિતના ગામોમાં મેઘમહેર થતાં જમીન ભીંજાઈ હતી. લાંબા વિરામ બાદ આવેલા આ વરસાદથી ખેતરોમાં સુકાઈ રહેલા પાકને નવું જીવતદાન મળ્યું છે. વરસાદના આગમનથી મહેસાણા જિલ્લાના સમગ્ર ખેડૂત આલમમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો