મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જોટાણા ગામેથી પોલીસે ગેરકાયદેસર રીતે ચાલતા જુગારધામ પર સફળ દરોડો પાડ્યો છે. સાંથલ પોલીસની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને જાહેર જગ્યામાં જુગાર રમતા ઈસમોને રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસની આ અચાનક કાર્યવાહીથી સ્થાનિક જુગારીઓમાં ભારે અફરાતફરી અને ફફડાટ વ્યાપી ગયો હતો.

ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર પર દરોડો

સાંથલ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.કે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.પી. ચૌધરી અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે જોટાણા બસ સ્ટેન્ડ નજીક, જોગણી માતાના મંદિર સામે આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી પોલીસે જુગાર રમતા કિસનકુમાર રાવળ, મોન્ટુભાઈ રાવળ, કનુભાઈ રાવળ અને હિંમતભાઈ ઉર્ફે મુન્નાભાઈ રાવળ નામના 4 આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ રૂ.99,050, ગંજીપત્તા અને પાથરણા સહિત કુલ રૂ.99050નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસે તમામ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી

પોલીસ રેડ દરમિયાન બાજી રમી રહેલા અન્ય 8 આરોપીઓ પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા અને ફરાર થયેલા શૈલેષભાઈ રાવળ, સતીષભાઈ રાવળ, જયંતિભાઈ રાવળ, મેહુલભાઈ રાવળ, મુનિલભાઈ રાવળ, ભલાભાઈ રાવળ, નરોત્તમભાઈ રાવળ અને અજયભાઈ રાવળ સહિત તમામ 12 જુગારીઓ સામે પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નાસી છૂટેલા આઠેય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે સાંથલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો