ગુજરાતના જાણીતા વેપારી મથક ઊંઝા અને ઉનાવા ખાતેથી ભેળસેળખોરો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક મોટી અને કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરીયાની કડક સૂચના અને આદેશ બાદ સક્રિય થયેલા તંત્રએ અહીં વરિયાળીમાં કેમિકલ કલરની ભેળસેળ કરતા વ્યાપારીઓ પર ત્રાટકીને અંદાજે રૂપિયા 19.6 લાખની કિંમતનો કુલ 26 ટન જેટલો મસમોટો ભેળસેળયુક્ત વરિયાળીનો જથ્થો ઘટનાસ્થળે જ જપ્ત કરી લીધો છે.
અલગ-અલગ ગોડાઉન પર આકસ્મિક દરોડા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઊંઝા-ઉનાવા રોડ પર આવેલા બે અલગ-અલગ ગોડાઉન પર આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન ભાર્ગવ પટેલનું ગોડાઉન તેમજ રાકેશ પટેલની વ્યાપારી પેઢી પરથી કેમિકલયુક્ત ભેળસેળવાળો આ શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ વેપારીઓ સામાન્ય વરિયાળીને બજારમાં વધુ પ્રીમિયમ અને લીલીછમ દર્શાવવા માટે તેના પર ઝેરી કેમિકલયુક્ત અખાદ્ય કલરનું પ્રોસેસિંગ કરતા હતા.
