ચાંદીપુરા વાયરસના વધતા જતા કેસો વચ્ચે મહેસાણા જિલ્લામાંથી એક અત્યંત રાહત અને આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પોશીના ગામની 3 વર્ષની માસૂમ બાળકી શિવાની ચાંદીપુરા વાયરસની ગંભીર ઝપેટમાં આવી ગઈ હતી. ગત 9 જુલાઈના રોજ બાળકીને સતત આંચકી આવવી, બેભાન અવસ્થા અને મગજ સંબંધિત ગંભીર ન્યુરોલોજિકલ લક્ષણો સાથે અત્યંત નાજુક સ્થિતિમાં GMERS વડનગર હોસ્પિટલના ICU માં દાખલ કરવામાં આવી હતી.
તબીબોની મહેનત અને વેન્ટિલેટર સપોર્ટથી મળી સફળતા
બાળકીની ગંભીર સ્થિતિને જોતાં તબીબોની ટીમે ત્વરિત અને યોગ્ય સારવાર શરૂ કરી હતી. વેન્ટિલેટર સપોર્ટ, મગજ અને લિવરની જટિલતા પર કાબૂ મેળવવા માટેની વિશેષ દવાઓ તેમજ શ્રેષ્ઠ ફિઝિયોથેરાપીની મદદથી તબીબોએ આ જટિલ કેસ પર સફળતાપૂર્વક નિયંત્રણ મેળવ્યું હતું. બાળરોગ વિભાગના વડા ડૉ. પ્રજ્ઞા ખન્ના, ડૉ. વિશ્વા, ડૉ. નિખિલ, ડૉ. રત્ના ભોજક અને તમામ રેસિડેન્ટ ડોક્ટર્સ તથા પેરામેડિકલ સ્ટાફની દિવસ-રાતની ભગીરથ મહેનતથી બાળકી મોતના મુખમાંથી બહાર આવી છે.
