મહેસાણાના કડીમાં આવેલા અગોલ ગામમાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરીને લઈને વિવાદ સર્જાયો છે. ગામના રાઠોડ અબ્બાસ નામના વ્યક્તિએ સલીમભાઈ નામના શખ્સનું ગેરકાયદે દબાણ દૂર કરવા માટે તંત્રને અરજી કરી હતી. જોકે, તંત્ર દ્વારા કાર્યવાહી કરીને ઉલટાનું અરજી કરનારનું જ મકાન તોડી પાડવામાં આવતા ગામમાં ભારે હોબાળો મચ્યો હતો. પીડિતે ગંભીર આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી સમયે કોંગ્રેસના લોકોને ઘર આગળ બેસવા માટે જગ્યા આપી હતી અને દબાણની અરજી કરી હતી, તેની જ રાજકીય કાનૂની કિન્નાખોરી રાખીને માત્ર તેમનું જ દબાણ દૂર કરવામાં આવ્યું છે.
રાજકીય અદાવતમાં કાર્યવાહી કરાયાનો ગંભીર આક્ષેપ
બીજી તરફ, તાલુકા પંચાયત સદસ્યના પતિએ રાજકીય અદાવતના આક્ષેપોને નકારી કાઢ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ કાર્યવાહી ગામમાં પાણીના યોગ્ય નિકાલ માટે કરવામાં આવી છે. આ સાથે જ તેમણે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે અગોલ ગામમાં લગભગ 80 ટકા જેટલું ગેરકાયદે દબાણ અસ્તિત્વમાં છે. આ આંશિક કાર્યવાહીના કારણે અરજદારે સવાલ ઉઠાવ્યો હતો કે જો ગામમાં આટલું બધું દબાણ હોય તો માત્ર તેમનું જ મકાન કેમ તોડવામાં આવ્યું અને આખા ગામમાંથી દબાણો કેમ દૂર ન કરાયા?
