મહેસાણા જિલ્લાના રામપુરા કટોસણ ગામમાં લાંબા સમયથી બિનઉપયોગી અને જર્જરિત અવસ્થામાં ઊભેલી પીવાના પાણીની ટાંકીને આખરે તંત્ર દ્વારા ધરાશાયી કરવામાં આવી છે. ટાંકી અત્યંત જર્જરિત થઈ ગઈ હોવાથી ગમે ત્યારે પડી જવાની ભીતિ સેવાઈ રહી હતી. સુરક્ષાના તમામ પાસાઓને ધ્યાને રાખીને તંત્ર દ્વારા યોગ્ય યોજના બનાવી આ ટાંકીને સુરક્ષિત રીતે જમીનદોસ્ત કરીને ઉતારી લેવામાં આવી હતી.
ટાંકી ધરાશાયી થવાના ભયથી ભારે ચિંતા
રામપુરા કટોસણ ગામના મધ્ય ભાગમાં આવેલી આ પાણીની ટાંકીના સિમેન્ટ અને સળિયા ખરી રહ્યા હતા. આસપાસના વિસ્તારમાંથી ગામના રહીશો અને બાળકો સતત અવરજવર કરતા હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવો ભય ગ્રામજનોને સતાવી રહ્યો હતો. સ્થાનિકો દ્વારા આ જર્જરિત માળખાને તાત્કાલિક દૂર કરવા માટે તંત્ર સમક્ષ અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી.
