મહેસાણા શહેરમાં ટ્રાફિકથી સતત ધમધમતા રિલાયન્સ મોલ પાસે  એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક પરિવારે પોતાની કમાણી દીકરી અને સમાજે એક આદર્શ શિક્ષિકા ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ, મહેસાણામાં રહેતા મહિલા શિક્ષિકા દરરોજની જેમ આજે સવારે પણ પોતાના નિયત સમયે શાળાએ નોકરી પર જવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે રિલાયન્સ મોલ નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવી રહેલા એક બેફામ સ્પીડે દોડતા ટ્રેલરના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી.

મહિલા શિક્ષિકા રોડ પર પટકાયા

ટક્કર એટલી ભયાનક હતી કે મહિલા શિક્ષિકા રોડ પર પટકાયા હતા અને ટ્રેલરનું તોતિંગ વ્હીલ તેમની ઉપર ફરી વળ્યું હતું. ભારે વાહન નીચે કચડાઈ જવાના કારણે ગંભીર ઈજાઓ થતાં શિક્ષિકાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. લોકટોળું ભેગું થતું જોઈને પકડાઈ જવાની બીકે ટ્રેલર ચાલક પોતાના વાહનની ચાવી ત્યાં જ મૂકીને ભીડનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.

ટ્રેલર ચાલક વાહન મૂકીને નાસી છૂટ્યો 

આ ભયાનક દુર્ઘટનાને કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ મહેસાણા પોલીસ સ્ટેશનનો કાફલો ત્વરિત કવાયત કરીને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક શિક્ષિકાના શવને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ (PM) માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે અને તેમના પરિવારજનોને આ અંગે જાણ કરી છે. સ્થાનિક રહીશોમાં આ અકસ્માતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Rajkot: ગેરકાયદે હથિયાર નેટવર્કમાંથી પૂર્વ તાલુકા પ્રમુખનો પુત્ર અને ભાજપ સભ્ય જીલુ બારૈયા 3 હથિયાર સાથે ઝડપાયો