મહેસાણા આરટીઓ કચેરી દ્વારા અનધિકૃત ટુવ્હીલરના વેચાણ સામે લાલ આંખ કરીને વ્યાપક તપાસ શરૂ કરવામાં આવી છે.શહેરમાં અને જિલ્લામાં ગેરકાયદે રીતે વાહનોનું વેચાણ ચાલતું હોવાની બાબત સામે આવ્યા બાદ આરટીઓ દ્વારા આકરી તવાઈ બોલાવવામાં આવી છે.આ સમગ્ર મામલે આરટીઓની ત્રણ અલગ અલગ ટીમો બનાવીને વિવિધ સ્થળો પર આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી.તપાસ દરમિયાન નિયમ વિરુદ્ધ ગેરકાયદે વેચાણ કરવામાં આવી રહેલા 22 વાહનોને સ્થળ પર ડિટેઈન કરી લેવાયા છે.તપાસ દરમિયાન એવી બાબત સામે આવી હતી કે એમબીઓ પાસે આ વાહનોના વેચાણ અંગે કોઈ પણ પ્રકારની કાયદેસર પરવાનગી ન હતી.કાયદેસર પરવાનગી વગર જ વાહનોનું વેચાણ થતું હોવાનું ખુલતાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વાહનો જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.
કોમર્શિયલ વાહનોમાં ટેક્સ ડિફોલ્ટ થવાના સૌથી વધુ કિસ્સા
ગેરકાયદે વેચાણ સામેની કાર્યવાહીની સાથોસાથ મહેસાણા આરટીઓ દ્વારા બાકી ટેક્સ ન ભરનારા ડિફોલ્ટરો સામે પણ કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આરટીઓ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ચકાસણી દરમિયાન કુલ 1057 વાહનો ટેક્સ ડિફોલ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.આ ડિફોલ્ટર વાહનો પાસેથી બાકી રહેલો સરકારી ટેક્સ વસૂલ કરવા માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.જેના પરિણામે છેલ્લા 3 મહિનાના સમયગાળા દરમિયાન 887 વાહનો પાસેથી ટેક્સ વસૂલ કરવામાં આવ્યો છે.આ દરમિયાન આરટીઓ તંત્ર દ્વારા બાકી ટેક્સ પેટે કુલ 1.43 કરોડની જંગી રિકવરી કરવામાં સફળતા મળી છે.આરટીઓ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ આંકડાકીય સમીક્ષામાં ખાસ કરીને કોમર્શિયલ વાહનોમાં ટેક્સ ડિફોલ્ટ થવાના સૌથી વધુ કિસ્સા જોવા મળ્યા છે.
