મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેરમાં તંત્રની નબળી કામગીરીના કારણે વધુ એક અકસ્માત સર્જાતા રહી ગયો છે. ખેરાલુ શિત કેન્દ્ર નજીકથી પસાર થઈ રહેલી એસ.ટી. બસ અચાનક રોડ પર પડેલા ભુવામાં ફસાઈ ગઈ હતી. થરાદથી ગાંધીનગર તરફ જઈ રહેલી GJ 18 Z 1029 નંબરની એસ.ટી. બસ ખેરાલુ બસ સ્ટેન્ડથી નીકળીને મુખ્ય હાઈવે પર ચડી રહી હતી, તે દરમિયાન શિત કેન્દ્ર પાસે રસ્તાના ભુવામાં બસનું પાછલું ટાયર અચાનક ખૂંપી ગયું હતું.
ડ્રાઈવરની સમયસૂચકતાથી મુસાફરો સહીસલામત બહાર નીકળ્યા
બસ ભુવામાં ફસાતાં જ મુસાફરોમાં ક્ષણભર માટે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, બસ ડ્રાઈવરે તાત્કાલિક સમયસૂચકતા દાખવીને બસને સ્થિર કરી દીધી હતી. ડ્રાઈવર અને કંડક્ટરની સતર્કતાના કારણે બસમાં સવાર તમામ 32 મુસાફરોને સુરક્ષિત રીતે સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. મોટો અકસ્માત ટળતાં જ મુસાફરો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળાં સ્થળ પર એકઠા થઈ ગયા હતા.
