મહેસાણા જિલ્લામાંથી શિક્ષણ જગત, વાહનવ્યવહાર તંત્ર અને સ્થાનિક પ્રશાસનને શરમમાં મૂકે તેવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. શાળાએ જતા માસૂમ વિદ્યાર્થીઓને લોડિંગ વાહનમાં 'ઘેટાં-બકરાં'ની જેમ ખીચોખીચ ભરીને જોખમી રીતે લઈ જવામાં આવી રહ્યા છે. શાળાએ પહોંચવાની મજબૂરી વચ્ચે આ નાના બાળકો પોતાના જીવના જોખમે આવી સવારી કરવા મજબૂર બન્યા છે, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સતત સેવાઈ રહી છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ

વિદ્યાર્થીઓની આ જોખમી અને બેદરકાર મુસાફરીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ દ્રશ્યો સામે આવ્યા બાદ વાલીઓ અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. માસૂમ બાળકોના જીવ સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા હોવા છતાં વાહનચાલકો અને જવાબદારો સામે કડક પગલાં ન લેવાતા લોકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે.

ટ્રાફિક પોલીસ અને RTO તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો

સૌથી ગંભીર બાબત એ છે કે જાહેર રસ્તાઓ પર ખુલ્લેઆમ ટ્રાફિકના નિયમોનું અનાદર કરીને આવી મોતના મુખમાં ધકેલતી સવારી દોડી રહી છે, છતાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ (RTO) તંત્ર મૌન પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતાં પ્રશાસનની કામગીરી અને કાયદાના અમલીકરણ સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો