મહેસાણા તાલુકાના મુદરડા ગામની સીમ નજીકથી એક અજાણ્યા વ્યક્તિની અર્ધ કચડાયેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. સીમ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીની નજીક વાડ પાસે આ શંકાસ્પદ લાશ પડી હોવાનું ત્યાંથી પસાર થતા એક સ્થાનિક રાહદારીના ધ્યાને આવ્યું હતું. અજાણ્યા વ્યક્તિનો ક્ષત-વિક્ષત મૃતદેહ જોઈને ચોંકી ઉઠેલા રાહદારીએ આ બાબતની તાત્કાલિક મહેસાણા પોલીસને જાણ કરી હતી.
ઘટનાસ્થળે પહોંચી પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો
સીમ વિસ્તારમાં અર્ધ કચડાયેલી લાશ મળી હોવાની ગંભીર માહિતી મળતાં જ મહેસાણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહની આસપાસના વિસ્તારનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી પંચનામું કરવાની તજવીજ હાથ ધરી હતી. લાશ ઘણી ખરાબ હાલતમાં હોવાને કારણે મૃતકની ઓળખ સ્થળ પર થઈ શકી ન હતી. જેથી પોલીસે મોતનું સાચું કારણ જાણવા અને કાયદેસરની વહીવટી કાર્યવાહી માટે લાશને તાત્કાલિક મહેસાણાની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડી હતી.













