મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા પુદગામ ખાતે રૂપેણ નદીના કિનારે નિર્માણ કરાયેલા ચેકડેમમાંથી એક અત્યંત ચિંતાજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ચેકડેમમાં કોઈ અસામાજિક કે બેજવાબદાર તત્વો દ્વારા ગટરનું અત્યંત ગંદુ પાણી અથવા ફેક્ટરીઓનું કેમિકલયુક્ત ઝેરી પાણી ઠાલવવામાં આવ્યું હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. ઝેરી રસાયણો પાણીમાં ભળી જવાના કારણે ચેકડેમમાં રહેલી મોટી સંખ્યામાં માછલીઓ, કાચબાઓ અને દેડકાંઓ જેવા જળચર જીવોના તડપી-તડપીને કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
તીવ્ર દુર્ગંધથી સ્થાનિકોમાં આક્રોશ અને પશુપાલકોની ચિંતા
પાણીની સપાટી પર મોટી સંખ્યામાં મૃત માછલીઓ અને જળચર જીવો તરતા જોવા મળતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે. ચેકડેમ અને તેની આસપાસના વિસ્તારોમાં મૃત જીવોના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાતાં સ્થાનિક રહીશોમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, આ દૂષિત અને ઝેરી પાણીના કારણે સ્થાનિક પશુપાલકો પોતાના ઢોર-ઢાંખરને ચેકડેમમાંથી પાણી પીવડાવી શકતા નથી. પશુઓના જીવ પર પણ મોટું જોખમ ઊભું થતાં પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
