ધર્મ અને આસ્થાના ઓઠા હેઠળ અંધશ્રદ્ધા ફેલાવી બહેન-દીકરીઓનું શોષણ કરતા કહેવાતા ધતિંગબાજો સામે વધુ એક ચોંકાવનારો કિસ્સો મહેસાણા જિલ્લામાંથી સામે આવ્યો છે. વિસનગર તાલુકામાં માતાજીના ભુવાજી તરીકે ઓળખ ધરાવતા કિર્તિ બાબુભાઈ ચૌધરી નામના શખ્સે એક 34 વર્ષીય મહિલાને માતાજીના નામે ડરાવી-ધમકાવીને સતત 8 વર્ષ સુધી હવસનો શિકાર બનાવી હોવાની સનસનાટીભરી ફરિયાદ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ કેસમાં ભુવાજી ઉપરાંત અન્ય બે શખ્સોએ પણ મહિલા પાસે શારીરિક સંબંધની માંગણી કરી હોવાનો ગંભીર આક્ષેપ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
માતાજીનો ડર બતાવી ગેસ્ટ હાઉસોમાં દુષ્કર્મ
ભોગ બનનાર ૩૪ વર્ષીય મહિલાએ વિસનગર તાલુકા પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદ મુજબ ભુવાજી કિર્તિ બાબુભાઈ ચૌધરીએ મહિલાને પોતાના વિશ્વાસમાં લીધી હતી અને ત્યારબાદ ‘જો સંબંધ નહીં બાંધે તો માતાજી કોપાયમાન થશે અને પરિવાર બરબાદ થઈ જશે’ તેવી ધાકધમકીઓ આપી હતી.આરોપી કિર્તિ ચૌધરી મહિલાને વિજાપુર આશ્રમ ચોકડી નજીકના ગેસ્ટ હાઉસ તેમજ વિસનગર-ઊંઝા રોડ પર આવેલા સુંદરમ ગેસ્ટ હાઉસમાં અવારનવાર લઈ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારતો હતો.મહિલા આ માનસિક અને શારીરિક ત્રાસથી છેલ્લા ૮ વર્ષથી પીડાઈ રહી હતી.
