વિરમગામ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે વહીવટી તંત્રની પોલ ખુલી ગઈ છે. ધોધમાર વરસાદના પગલે શહેરમાં મહત્વના રસ્તાઓનું મોટા પાયે ધોવાણ થયું છે, જેના કારણે ઠેર-ઠેર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. તંત્રના દાવાઓ ખોટા સાબિત થયા છે અને સામાન્ય વરસાદમાં જ માર્ગોની હાલત દયનીય બની ગઈ છે.

મુખ્ય માર્ગો અને દરવાજાઓ પાસે મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય

શહેરના મુખ્ય રસ્તાઓ પર પડેલા મસમોટા અને ઊંડા ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓ ત્રાસી ગયા છે. ખાસ કરીને બસસ્ટેન્ડ રોડ, અક્ષરનગર માંડલ રોડ, તેમજ ભરવાડી દરવાજા અને ગોલવાડી દરવાજા જેવા વ્યસ્ત વિસ્તારોમાં મોટા ખાડાઓ પડી ગયા છે. આ ખાડાઓમાં પાણી ભરાઈ જવાને કારણે અકસ્માત સર્જાવાની સંભાવના પણ વધી ગઈ છે.

રહિશોને ભારે હાલાકી અને તંત્ર સામે રોષ

મુખ્ય માર્ગો પર પડેલા જોખમી ખાડાઓના કારણે સ્કૂલે જતા બાળકો, નોકરીયાતો અને વરિષ્ઠ નાગરિકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનો પણ વારંવાર પંક્ચર થવા કે ખરાબ થવાની સમસ્યા સર્જાય છે. સ્થાનિક રહીશોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ ફેલાયો છે અને વહેલી તકે આ રસ્તાઓનું રીકાર્પેટિંગ કે મરામત કરવામાં આવે તેવી ઉગ્ર માગણી ઉઠી છે.

આ પણ વાંચો : Monsoon 2026 : અમદાવાદ ગ્રામ્યમાં આફત, પંદર દિવસ વીતવા છતાં સોસાયટીઓમાં હજુ પણ વરસાદી પાણી યથાવત...