ડાંગ જિલ્લામાં મેઘરાજાએ જમાવટ કરી છે. ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા ડાંગ જિલ્લા માટે આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે.આ આગાહી વચ્ચે જિલ્લામાં મોડી રાત્રે જ વરસાદી માહોલ જામ્યો હતો અને મેઘરાજાએ ધીમી ધારેથી શરૂ કરીને તોફાની બેટિંગ કરી હતી. છેલ્લા 24 કલાક દરમિયાન ડાંગના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
24 કલાકના વરસાદી આંકડા
ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના આંકડા મુજબ, જિલ્લાના તમામ ચારેય તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. પ્રસિદ્ધ પ્રવાસી ધામ સાપુતારામાં સૌથી વધુ 1.60 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જિલ્લા મથક આહવામાં 1.5 ઇંચ, સુબીરમાં 1.00 ઇંચ અને વઘઈમાં 0.80 ઇંચ વરસાદ નોંધાયો છે.
