ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જંબુસરના મદાફર ગામે વરસાદી પાણી જોવા ગયેલા એક યુવકનું પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે, જેને લઈને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
કાંસમાં વરસાદી પાણી જોવા જતી વેળાએ સર્જાયો અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, મદાફર ગામના રહેવાસી 25 વર્ષીય નઈમ ઇકબાલ રાણા નામના યુવક ગામ નજીક આવેલી કાંસમાં વહી રહેલા વરસાદી પાણી અને વહેણ જોવા ગયા હતા. તે દરમિયાન અચાનક પાણીના પ્રવાહનો અંદાજ ન રહેતા અથવા પગ લપસી જવાથી તે પાણીના તેજ વહેણમાં તણાઈ ગયા હતા અને લાપતા બન્યા હતા.

ગ્રામજનોએ ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો
યુવક પાણીમાં તણાઈ ગયાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને કાંસ તથા આસપાસના પાણીના પ્રવાહમાં યુવકની શોધખોળ શરૂ કરી હતી. ગ્રામજનોની ભારે જહેમત બાદ લાપતા બનેલા નઈમ ઈકબાલ રાણાનો મૃતદેહ પાણીમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો.
https://twitter.com/sandeshnews/status/2083968861490307581
તંત્ર ઘટના સ્થળે દોડી ગયું, પોસ્ટ મોર્ટમ અર્થ હોસ્પિટલ ખસેડાયા
ઘટનાની જાણ થતાં જ જંબુસર મામલતદાર સહિતનું વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો - 3 August Top News: 3 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ