ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે ઉત્સાહ અને આનંદના મોટા સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના પિયત અને પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત ગણાતો પાલીતાણાનો શેત્રુંજી ડેમ ચાલુ સીઝનમાં ઓવરફ્લો થયો છે. જળગ્રહણ વિસ્તાર (કેચમેન્ટ એરિયા) અને ઉપરવાસના ગ્રામીણ પંથકોમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી હતી. ડેમની સપાટી નિયત મર્યાદા વટાવી જતાં ફ્લડ કંટ્રોલ રૂમના એન્જિનિયરો દ્વારા વહેલી સવારે જ ડેમના તમામ 59 દરવાજા તબક્કાવાર ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
9,440 ક્યુસેક પ્રવાહથી નદીઓ બે કાંઠે
સિંચાઈ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલમાં ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ 59 દરવાજામાંથી કુલ 9,440 ક્યુસેક પાણી શેત્રુંજી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડાવાના કારણે નદીના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે અને નદી બે કાંઠે વહેતી થઈ છે. આ પાણી આગળ જઈને તળાજા અને મહુવાના વિસ્તારો તરફ વહેશે, જેનાથી આજુબાજુના ભૂગર્ભ જળના સ્તર પણ ખૂબ ઊંચા આવશે, જે આગામી શિયાળુ અને ઉનાળુ પાક માટે ખેડૂતોને મોટો આર્થિક ફાયદો કરાવશે.
