ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો હતો, જેના કારણે નાગરિકો અસહ્ય ગરમી અને અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા. જોકે, આજે બપોરના સુમારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ કાળાડીબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. ત્યારબાદ શહેરના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા.

ભાવનગરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી

શહેરના મધ્ય ભાગમાં આવેલા કાળાનાળા, ભીડભંજન ચોક, રૂપાણી સર્કલ, ઘોઘા સર્કલ તેમજ કણબીવાડ અને ખારગેટ જેવા ગીચ અને વેપારી વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા.લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ મહેરબાની કરતાં જ સમગ્ર ભાવનગર શહેરના તાપમાનમાં ગરકાવ થયેલા લોકોને મોટી રાહત મળી છે. વરસાદ પડતાં જ વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.

વાતાવરણ બદલાતા વિવિધ વિસ્તારોમાં વરસાદ

બપોરે અચાનક વરસાદ શરુ થતાં જ માર્ગો પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ ભીંજાયા હતા, જ્યારે નીચાણવાળા કેટલાક માર્ગો પર પાણી ભરાવાના કારણે થોડા સમય માટે જનજીવન અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. વરસાદના આ પલટાથી ખાસ કરીને ખેડૂતો અને સામાન્ય રહીશોમાં આનંદની લહેર ફેલાઈ ગઈ છે.

આ પણ વાંચો: Gujaratના આ જિલ્લાઓમાં ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ': આગામી 3 કલાકમાં પવન સાથે ધોધમાર વરસાદની આગાહી