છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તાર માટે સંજીવની સમાન ગણાતી ઓરસંગ નદીમાં ચાલુ ચોમાસાની ઋતુનું પ્રથમ પૂર આવ્યું છે. મધ્યપ્રદેશના ઉપરવાસના વિસ્તારોમાં તથા છોટાઉદેપુર પંથકમાં રાત્રિના સમયે પડેલા સાર્વત્રિક વરસાદને પગલે ઓરસંગ નદીમાં વિપુલ પ્રમાણમાં નવા પાણીની આવક નોંધાઈ છે.

ઓરસંગ નદીમાં ઋતુનું પ્રથમ પૂર આવ્યું

નદીમાં પાણીનો પ્રવાહ વધતાં છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરમાં પીવાના પાણીના સપ્લાય અને વોટર ટેબલ જાળવી રાખવા માટે બનાવવામાં આવેલા આડબંધ (ચેકડેમ) પરથી પાણી વહેવાનું શરૂ થઈ ગયું છે.ઓરસંગ નદી બે કાંઠે વહેતી થતાં આજુબાજુના ગ્રામીણ વિસ્તારો અને છોટાઉદેપુર નગરના રહીશો મોટી સંખ્યામાં નદી કિનારે અને આડબંધ પાસે આ નયનરમ્ય દ્રશ્યો જોવા માટે એકઠા થયા હતા.

અદ્ભુત કુદરતી દ્રશ્યો અને સ્થાનિકોનો ઉલ્લાસ

છોટાઉદેપુર જિલ્લો મુખ્યત્વે ખેતી પર આધારિત હોય, ઓરસંગ નદી વહેતી થવાથી આજુબાજુના કુવા અને બોરના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે, જેનાથી આગામી સમયમાં ખેતી માટે સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે. આ કારણે પંથકના ખેડૂતોમાં ભારે ખુશીની લહેર દોડી ગઈ છે. નગરપાલિકા અને સ્થાનિક તંત્રે નદીમાં નવા પાણીના પ્રવાહને જોતાં લોકોને સાવચેત રહેવા અને નદીના ઊંડા પાણીમાં ન ઊતરવા અપીલ કરી છે.

આ પણ વાંચો: Ahmedabad: કાલુપુર ડબગર વાસમાં વહેલી સવારે જર્જરિત મકાન કડડભૂસ, એક મહિલાનું મોત, પુરુષ સારવાર હેઠળ