ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસાની તોફાની ઇનિંગ સતત યથાવત છે. ગીર જંગલ અને ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે ઉના અને ગીર ગઢડા પંથકની સ્થાનિક નદીઓ અને વોકળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. પૂરના પાણી નિચાણવાળા માર્ગો અને કોઝવે પર ફરી વળતા સમગ્ર પંથકનો વાહનવ્યવહાર વ્યાપક રીતે પ્રભાવિત થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગીર સોમનાથના આ બંને તાલુકાના કુલ ૧૨ જેટલા મુખ્ય અને આંતરિક માર્ગો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

15થી વધુ ગામો સંપર્કવિહોણા, 4 માર્ગો હજુ બંધ

કારણે ઉના તાલુકાના 10 ગ્રામીણ માર્ગો અને ગીર ગઢડા પંથકના 2 રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ બંધ થવાના કારણે 15થી વધુ નાના-મોટા ગ્રામ્ય વિસ્તારોનો તાલુકા મથક સાથેનો સીધો સંપર્ક તૂટી ગયો છે. હજુ પણ 4 મુખ્ય માર્ગો પરથી પાણી ઉતર્યા ન હોવાથી તે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા છે. સ્થાનિક લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન દ્વારા આ બંધ રસ્તાઓ પર બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

તંત્ર દ્વારા 8 રસ્તાના વૈકલ્પિક રૂટ શરૂ કરાયા

બીજી તરફ, ઇમરજન્સી સેવાઓ અને ગ્રામજનોને અવરજવરમાં ભારે હાલાકી ન ભોગવવી પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ-મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી છે. જે વિસ્તારોમાં પાણીનો પ્રવાહ ઓછો થયો છે અથવા ડાયવર્ઝન શક્ય છે, તેવા 8 રસ્તાઓ પર તાત્કાલિક અસરથી વૈકલ્પિક માર્ગો કાર્યરત કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે પાણીના તેજ વહેણ વચ્ચે બાઇક કે અન્ય વાહનો પસાર કરવાનું જોખમ ન ખેડવું અને પ્રશાસનની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું.

આ પણ વાંચો: Bhavnagar Rain: જેસરમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, નદી-નાળા છલકાતા સંપર્કવિહોણા બન્યા ગામો