સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં વરસી રહેલા અતિભારે વરસાદને પગલે નદી-નાળાં બે કાંઠે ઉભરાઈ રહ્યા છે. આ દરમિયાન ઉમેદગઢ અને મશાલ વચ્ચે આવેલા વગાના વિસ્તારમાંથી પસાર થઈ રહેલો એક યુવક અચાનક પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયો હતો. પાણીનું સ્તર અને વહેણ એટલું ઝડપથી વધ્યું કે યુવક માટે બહાર નીકળવું અશક્ય બની ગયું હતું.

ઝાડની ડાળી પકડી જીવન મરણ વચ્ચે 3 કલાકનો જંગ

પોતાનો જીવ બચાવવા માટે યુવકે સમયસૂચકતા વાપરીને નજીકમાં આવેલા એક વૃક્ષ પર ચડી આશરો લીધો હતો. આસપાસ પાણીનો વિકરાળ પ્રવાહ વહી રહ્યો હતો અને યુવક સલામત રીતે વૃક્ષ પર બેસીને મદદની રાહ જોઈ રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્ર તથા ફાયર વિભાગને જાણ કરી હતી.

https://twitter.com/sandeshnews/status/2083591021133455418

રેસ્ક્યૂ ટીમનું સફળ ઓપરેશન, તંત્રની નાગરિકોને ચેતવણી

ઘટનાની ગંભીરતા જોઈ ઈડર વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ભારે પાણીના પ્રવાહ વચ્ચે ફાયરની ટીમે 3 કલાકની ભારે જહેમત અને સાહસિક કામગીરી બાદ યુવકને હેમખેમ બહાર કાઢ્યો હતો. મોતના મુખમાંથી સુરક્ષિત બહાર આવેલા યુવકે તંત્ર અને રેસ્ક્યૂ ટીમનો આભાર માન્યો હતો. ઘટનાને પગલે તંત્ર દ્વારા નાગરિકોને વરસાદ દરમિયાન નદી-નાળાં અને પાણીના ભરાવા વાળા વિસ્તારોથી દૂર રહેવા કડક અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો - 2 August Top News: 2 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ