જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ ફરી એકવાર તોફાની ઇનિંગ શરૂ કરી છે. એક કલાકના વિરામ બાદ શરૂ થયેલા ધોધમાર વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે. જૂનાગઢ શહેરના દોલતપરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ભૂગર્ભ ગટરની ક્ષમતા ઓછી પડતા પાણી ઘરોમાં ઘૂસી જવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે.
https://twitter.com/i/status/2072620801405415889
કેટલાક ગામોનો મુખ્ય માર્ગો સાથેનો સંપર્ક તૂટ્યો
આ વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાં નવા નીર આવ્યા છે, જેમાં નોળી નદી બે કાંઠે વહેતી થઈ છે, તો બીજી તરફ સોંદરડા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં વાવણીલાયક વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન, જૂનાગઢના માંગરોળ પંથકમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિને કારણે કેટલાક ગામોનો મુખ્ય માર્ગો સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
ધારાસભ્ય ભગવાનજી કરગટીયા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટીયા તાત્કાલિક ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા. તેમણે ક્ષતિગ્રસ્ત પુલોનું નિરીક્ષણ કર્યું હતું અને અસરગ્રસ્ત ગામોના સરપંચો સાથે ટેલિફોનિક વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ધારાસભ્યએ લોકોની મુલાકાત લઈ તંત્રને તાત્કાલિક મદદ પહોંચાડવા અને રાહત કામગીરી ઝડપી બનાવવા કડક સૂચનાઓ આપી છે. પ્રશાસન દ્વારા તમામ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે જેથી જાન-માલનું નુકસાન નિવારી શકાય.
આ પણ વાંચોઃ Gujarat Weather : રાજ્યમાં એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે