ઉત્તર ગુજરાતમાં સક્રિય થયેલા ભારે વરસાદી માહોલ વચ્ચે હવે મહેસાણા જિલ્લાના ખેરાલુ પંથકમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.ભાદરવા મહિનાના પ્રારંભે જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા-ભડાકા સાથે વહેલી પરોઢથી જ વરસાદી માહોલ સર્જાયો હતો.સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીના માત્ર ચાર કલાકના સમયગાળામાં ખેરાલુ પંથકમાં આશરે 51 મિમી એટલે કે અંદાજે બે ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી ગયો હતો.સવારની આ તોફાની બેટિંગ બાદ હાલ પંથકમાં વરસાદે વિરામ લીધો છે.

ખેરાલુ વરસાદ

શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વહેતા થયા

ખેરાલુ શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ તૂટી પડતાં નીચાણવાળા વિસ્તારો અને શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા. માત્ર ચાર કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પર તેની સામાન્ય અસર જોવા મળી હતી. આ ભારે વરસાદ માત્ર શહેર પૂરતો સીમિત ન રહેતા ખેરાલુ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસી રહ્યો છે.તાલુકાના ડભાડ, ચાણસોલ, હિરવાણી, મલેકપુર, સાકરી, વાલાપુરા, મંદ્વોપુર, ડાવોલ, ડાલીસણા, વિઠોડા, થાગણા, કુંડા, ગોરીસણા, ગઠામણ, નાનીવાડા, વઘવાડી, ચોટીયા અને મલારપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેના પગલે સર્વત્ર પાણી વહેતા થયા હતા.

ખેરાલુમાં વરસાદ

સુકાઈ રહેલા પાકોને મળ્યું નવું જીવનદાન

ત્રણ દિવસના લાંબા વિરામ બાદ મેઘરાજાના આ અણધાર્યા આગમનથી ખેડૂતોમાં ભારે ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ભાદરવા માસમાં પડેલો આ વરસાદ ધરતીપુત્રો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે.છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ન થવાને કારણે ખેતરોમાં ઉભેલા પાકને પાણીની જરૂરિયાત ઊભી થઈ હતી અને પાક સુકાઈ રહ્યો હતો. આજના બે ઇંચ વરસાદને કારણે એરંડા,જુવાર,ગવાર અને મગફળી સહિતના મહત્વના ચોમાસું પાકોને નવું જીવનદાન મળ્યું છે.ખેડૂતોનું માનવું છે કે પાકના વિકાસના આ નિર્ણાયક તબક્કે આ વરસાદ અત્યંત ગુણકારી સાબિત થશે.વહેલી સવારે પડેલા આ વરસાદને કારણે ઉકળાટ અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે. 

આ પણ વાંચોઃ Ahmedabad News: ગાંધીગ્રામનું ટર્મિનલ બદલાયું હવે સાબરમતીથી પ્રયાગરાજ ટ્રેન દોડશે