મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામમાં સતત પડેલા ભારે વરસાદના કારણે ચારેય તરફ પાણી ભરાઈ ગયા હતા. આ દરમિયાન ગામના કોળીવાસ વિસ્તારમાં પાણી ફરી વળતાં ત્યાં રહેતા બીમાર વૃદ્ધ જયેશભાઈ ભગતભાઈ કગથરા ઘરમાં જ ફસાઈ ગયા હતા. બીમારી અને પૂરના પાણીના કારણે તેઓ બહાર નીકળી શકે તેમ ન હોવાથી પરિસ્થિતિ ગંભીર બની હતી.

પોલીસે જીવના જોખમે વૃદ્ધને બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ પહોંચાડ્યા

ઘટનાની જાણ થતાં જ મોરબી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે પૂરમાં ઉતરીને માનવતાભર્યું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું અને જયેશભાઈને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જરૂરિયાતમંદોને ભોજનનું વિતરણ કર્યું

રેસ્ક્યૂ ઓપરેશન ઉપરાંત મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું. પોલીસે સામાજિક સંસ્થાના સહયોગથી પૂર પ્રભાવિત ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને મુશ્કેલીમાં મુકાયેલા જરૂરિયાતમંદ પરિવારોને ભોજનના પેકેટનું વિતરણ કર્યું હતું. પોલીસની આ ઉત્કૃષ્ટ અને સંવેદનશીલ કામગીરીની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચો : Mahisagarમાં ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત, ચાર કોશિયા નાકા પાસે 2 બાઈકને અડફેટે લીધી