નવસારી જિલ્લાના પહાડી અને જંગલ વિસ્તારો ધરાવતા વાંસદા તાલુકામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. વાંસદા પંથકમાં સાર્વત્રિક રીતે નવ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે. આ ભારે વરસાદના કારણે લોકલ નદી-નાળાઓ ઉભરાયા છે અને તેનું તમામ પાણી સીધું વાંસદાના પ્રખ્યાત જૂજ ડેમ તરફ વળી રહ્યું છે. ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આ તોફાની આવકના લીધે ડેમનું તળિયું ફરી જીવંત બન્યું છે.

વાંસદામાં મેઘતાંડવ આશીર્વાદ બન્યું

https://twitter.com/sandeshnews/status/2073262393304514768

ભયજનક સપાટીથી ડેમ હજુ સુરક્ષિત

સિંચાઈ વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ, જૂજ ડેમની કુલ ભયજનક સપાટી 167 મીટરની છે. અગાઉ ઉનાળાના કારણે ડેમ ખાલી થવાના આરે હતો, પરંતુ વાંસદાના આ 9 ઇંચ વરસાદે ડેમનું ચિત્ર બદલી નાખ્યું છે. હાલમાં ડેમની જળસપાટી વધીને 149.50 મીટરે પહોંચી ગઈ છે. હજુ પણ ઉપરવાસના કેચમેન્ટ એરિયામાંથી પાણીની આવક સતત ચાલુ હોવાથી સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણી આવી જતાં આગામી રવિ પાક અને ચોમાસુ ખેતી માટે પાણીની ચિંતા ટળી જતાં ધરતીપુત્રોના ચહેરા ખીલી ઉઠ્યા છે.

પ્રવાસીઓ માટે હોટસ્પોટ બન્યું જૂજ ડેમ પરિસર

નવા નીરના આગમનની સાથે જ જૂજ ડેમની આસપાસની પ્રકૃતિનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે. ચોમેર છવાયેલી લીલીછમ હરિયાળી, વાદળછાયું આકાશ અને ડેમમાં ઘુમરાતા અફાટ પાણીના દ્રશ્યોએ સ્થાનિક પ્રવાસીઓને આકર્ષવાનું શરૂ કર્યું છે. રજાના દિવસોમાં અહીં પ્રકૃતિનો આનંદ માણવા લોકો ઉમટી પડે તેવા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. જોકે, નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડેમ સાઇટ પર જતા પ્રવાસીઓને ઊંડા પાણીમાં ન ઉતરવા અને કિનારે રહીને જ સુરક્ષિત રીતે કુદરતી સૌંદર્ય માણવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: યોગી ચોકમાં નિર્માણાધીન બિલ્ડિંગ પાસે જમીન ધસી પડી, વીજ થાંભલા તૂટતા અંધારપટ