પાલનપુરમાં ચોમાસાની વિધિવત શરૂઆત પહેલા જ નગરપાલિકા અને ડિઝાસ્ટર વિભાગના ભવ્ય પ્રી-મોન્સૂન પ્લાનિંગનું સૂરસૂરિયું થઈ ગયું છે. આજે પડેલા અત્યંત સામાન્ય વરસાદમાં જ પાલનપુર શહેરના મુખ્ય અને આંતરિક માર્ગો પર પાણી ભરાઈ જતાં સ્માર્ટ કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે.
પાલનપુરમાં પ્રી-મોન્સૂન પ્લાનિંગનું સૂરસૂરિયું
સૌથી વધુ ખરાબ સ્થિતિ પાલનપુરથી લાલાવાડા જતાં મુખ્ય માર્ગ પર સર્જાઈ છે. અહીં રસ્તા પર યોગ્ય ડ્રેનેજ નિકાલ કે નાળાસફાઈ ન થઈ હોવાના કારણે માત્ર ગણતરીના સમયમાં જ ઢીંચણસમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા. રસ્તો તળાવમાં ફેરવાઈ જતાં આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
વાહનો બંધ પડ્યા અને ટ્રાફિક જામ
રસ્તા પર ભરાયેલા ઊંડા પાણીમાંથી પસાર થવાના પ્રયાસમાં અનેક બાઇક, એક્ટિવા અને થ્રી-વીલર્સ વચ્ચે રસ્તે જ બંધ પડી ગયા હતા. વાહનચાલકોને ધક્કા મારીને પોતાના વાહનો પાણીમાંથી બહાર કાઢવાની નોબત આવી હતી. સામાન્ય વરસાદમાં જ આવી ગંભીર સ્થિતિ સર્જાતાં લાલાવાડા માર્ગ પર વાહનવ્યવહાર કલાકો સુધી ખોરવાઈ ગયો હતો.
વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા
સ્થાનિક રહીશો અને વાહનચાલકોનો આરોપ છે કે દર વર્ષે ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીના નામે લાખો-કરોડો રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવે છે, પરંતુ નાળાસફાઈ કે ડ્રેનેજ લાઈનની સફાઈ માત્ર કાગળ પર જ બતાવવામાં આવે છે. ચોમાસાના પ્રારંભે જ જો સામાન્ય વરસાદમાં આ હાલત હોય, તો આગામી દિવસોમાં જ્યારે ભારે વરસાદ ખાબકશે ત્યારે પાલનપુરની શું સ્થિતિ થશે તેને લઈને નાગરિકોમાં ભારે ચિંતા અને આક્રોશ વ્યાપ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માંગ કરી છે.
આ પણ વાંચો:Banaskantha: લાખણીમાં મોડી રાત્રે 5 ઇંચ વરસાદ ખાબકતાં ભારે તારાજી, મુખ્ય બજાર સહિત ઘરોમાં ઘૂસ્યા પૂરના પાણી