પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. માતાજીના દર્શનાર્થે રાજ્યભરમાંથી ઉમટી પડતા હજારો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપીને તંત્ર દ્વારા યાત્રિકો માટે ખાસ માર્ગદર્શિકા અને સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.

ભારે વરસાદમાં ડુંગર પર જવા પર સંપૂર્ણ પ્રતિબંધ

ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે પાવાગઢ ડુંગર પર પગથિયાં લપસણા થવા અને ભેખડો ધસી પડવાની સંભાવનાઓ ખૂબ વધી જાય છે. આ કુદરતી જોખમને ટાળવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે, ભારે વરસાદના સમયે કોઈપણ યાત્રાળુને ડુંગર પર જવા દેવામાં આવશે નહીં. ભક્તોની જાનમાલની રક્ષા કાજે આ કડક નિર્ણય લેવાયો છે.

સ્થાનિક વહીવટી તંત્ર પરિસ્થિતિ પર રાખશે ચાંપતી નજર

હાલમાં પાવાગઢ ડુંગર અને તળેટી વિસ્તારમાં પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા વરસાદી અને ભૌગોલિક પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવશે. હવામાન સાનુકૂળ થયા બાદ અને રસ્તો સુરક્ષિત જણાયા પછી જ યાત્રિકોને દર્શન માટે આગળ વધવાની મંજૂરી અપાશે. તંત્રએ તમામ દર્શનાર્થીઓને સહકાર આપવા અપીલ કરી છે.

આ પણ વાંચો : Valsad News : ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ, નાગરિકોને સતર્ક રહેવા સુચના જાહેર...